
ચીનમાંથી થતી સસ્તી આયાતને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે કોલ્ડ રોલ્ડ નોન-ઇલેક્ટ્રિકલ સ્ટીલની આયાત પર આગામી પાંચ વર્ષ માટે એન્ટી-ડમ્પિંગ ડયૂટી લગાવવાનો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રાલયના નોટિફિકેશન મુજબ, ચીનના ઓછા ભાવના માલના કારણે દેશના સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થતું હોવાનું તપાસમાં સામે આવતા આ પગલું લેવામાં આવ્યું છે. આ ડયૂટીનો દર પ્રતિ ટન ૨૨૩.૮૦ ડોલરથી લઈને ૪૧૪.૯૦ ડોલર સુધી નક્કી કરવામાં આવ્યો છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ (DGTR)ની ભલામણના આધારે સરકાર દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કોલ્ડ રોલ્ડ નોન-ઇલેક્ટ્રિકલ સ્ટીલનો ઉપયોગ મુખ્યત્વે ઇલેક્ટ્રિક મોટર્સ, ટ્રાન્સફોર્મર્સ અને જનરેટર્સના ઉત્પાદન માટે થાય છે. તપાસ દરમિયાન DGTRએ નોંધ્યું હતું કે ચીનમાંથી આયાત થતો આ સ્ટીલ સ્થાનિક ઉત્પાદનોની સરખામણીએ ઘણી ઓછી કિંમતે ડમ્પ થતો હતો, જેના પરિણામે ભારતીય ઉત્પાદકોને આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું.
દેશના સ્ટીલ ઉદ્યોગને સુરક્ષા આપવા માટે સરકારે ગયા મહિને વિયેતનામથી આયાત થતા હોટ રોલ્ડ ફ્લેટ સ્ટીલ પર પણ એન્ટી-ડમ્પિંગ ડયૂટી લગાવી હતી, જેમાં પ્રતિ ટન ૧૨૧.૫૫ ડોલરનો દર નક્કી કરવામાં આવ્યો છે. ચીનમાંથી સ્ટીલ સહિત વિવિધ ઉત્પાદનોની વધતી આયાતને કારણે વર્તમાન વર્ષના અંત સુધીમાં ભારતની ચીન સાથેની વેપાર ખાધ વધીને અંદાજે ૧૦૬ અબજ ડોલર સુધી પહોંચે તેવી શક્યતા છે.
ચીનને થતી ભારતની નિકાસની સરખામણીએ ત્યાંથી આયાતમાં ઝડપી વધારો થવાથી આ ખાધ ઊંચી રહી છે. આ વર્ષે ચીનને ભારતની નિકાસ લગભગ ૧૭.૫૦ અબજ ડોલર રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.


