પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટતા 6 શ્રમિકોના મોત નીપજ્યા, ટ્રોલીમાં શાકભાજી અને ગેસ સિલિન્ડર લઇ જતા હતા દરમ્યાન ઘટના બની હતી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૯.૨૦૨૫
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢ મંદિરના નિર્માણ અર્થે તેમજ વિકાસના કામો લક્ષી માલ સામાનની હેરાફેરી (માલવાહક) કરવા માટે બનાવવામાં આવેલ રોપ વે શનિવારે બપોરના સમયે ધડાકા ભેર તૂટી પડતા તેમાં સવાર ૬, વ્યક્તિઓના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા.નિજ મંદિર પરિસર ના પુનઃ નિર્માણ તેમજ વિકાસને લગતા અન્ય કામો ડુંગર પર કરવા માટે નો પરવાનો મેસર્સ કિસ્મત રાય એન્ડ ને મળ્યા બાદ અંદાજિત સાત વર્ષ અગાઉ મટીરીયલ ઉપર લઈ જવા માટે માલ વાહક રોપ વે નું નિર્માણ મેસર્સ કિસ્મત રાય એન્ડ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં આ કંપનીના કામો ૯૦ ટકા જેટલા પૂર્ણ થઈ ગયા હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી આવેલ છે છતાં આજે પણ તે માલવાહક રોપ વે ચાલુ રાખવામાં આવ્યો છે જેમાં મંદિરની તેમજ મંદિર અન્નક્ષેત્ર માટે ભારે માલવાહક સામાન લઈ જવા લાવવા માટે તેનો ઉપયોગ હાલ થઈ રહ્યો છે જેમાં શનિવારે બપોરના સમયે મંદિરના અન્નક્ષેત્ર નો સામાન શાકભાજી ગેસના બોટલ તેમજ અન્ય ચીજ વસ્તુઓ લઈને જવામાં આવી રહ્યું હતું જેમાં મંદિર સિક્યુરિટી તેમજ ઓપરેટર અને અન્ય બે વ્યક્તિ સહિત કુલ છ વ્યક્તિઓ આ સમયે તેમાં સવાર હતા. તેમ જાણવા મળી આવ્યું છે.જે રોપવે સ્ટેશન પર પહોંચવાની તૈયારીમાં હતું ત્યારે કોઈક ટેકનીકલ ખામી ના કારણે પ્રાથમિક તબક્કે જાણવા મળતી વિગતો મુજબ રોપ વે પોલ નં ૪, પાસે રોપ વે ની ડોલી પહોંચતા અચાનક રોપવે નો વાયર તૂટી ગયો હોવાની માહિતી જાણવા મળે છે જેના પગલે પોલ નંબર ૪, ઝૂકી જતા માલવાહક ટ્રોલી વીજળીક ગતિએ ઉપરથી નીચે તરફ સરકતા જે ટ્રોલી નીચેના મુખ્ય પોલ સાથે ધડાકા ભેર અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ડોલીમાં મુકેલો સામાન તેમજ ડોલીમાં સવાર છ વ્યક્તિઓ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતાં તેઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોતની હતા.જોકે પ્રાથમિક દ્રષ્ટાઓએ જણાવેલા મુજબ ડોલી જ્યારે ઉપરથી નીચે પછડાઈ ત્યારે ધડાકા નો અવાજ સાંભળી આસપાસના વેપારીઓ પણ દોડી આવ્યા હતા તેઓના જણાવ્યા મુજબ રોપ વે પરથી વીજળીક ગતિએ ડોલી પરત આવતી હતી જે નજારો જે લોકોએ જોયો છે તેઓના જણાવ્યા મુજબ આગ તણખા પણ જોવા મળયા હતા.જ્યારે આસપાસના વેપારીઓ તેમજ સ્થાનિક લોકો દોડતા ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ડોલીમાં સવાર છ વ્યક્તિઓના મૃતદેહો અસ્ત વ્યસ્ત પડ્યા હોવાનું જોવા મળ્યું હતું જે બાદ તે લોકોએ તેઓના મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હોવાનું તેઓ જણાવી રહ્યા હતા.બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી ઘટનાનું નિરીક્ષણ કરી આ વિસ્તારને તાત્કાલિક કોર્ડન કરી બનાવની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે વહીવટી તંત્ર તેમજ અધિકારીઓ ને જાણ કરતા જિલ્લા પોલીસવડા સહિત વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તમામ મૃતદેહોને તાત્કાલિક ખાનગી વાહનોમાં હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. એક સાથે છ જેટલા મૃતદેહો હોસ્પિટલ ખાતે આવતા હોસ્પિટલમાં પણ અફડા તફડી નો માહોલ સર્જાયો હતો. જ્યારે બનાવમાં ભોગ બનનાર મૃતકોના પરિવારજનોને બનાવની જાણ થતા તેઓ પણ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે પોલીસે બનાવ અંગે પ્રાથમિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી આવે છે હવે જોવાનું એ રહ્યું પોલીસ ફરિયાદમાં આ બનાવમાં કોને ગુનેગાર ઠેરવવામાં આવે છે. એ હવે જોવું રહ્યું.જ્યારે મૂર્તકોમાં (૧) મોહમંદ અનવર મોહમંદ શરીફખાન, રોપવે ઓપરેટર રહે. રાજૌરી જમ્મુ કાશ્મીર.(૨) બળવંતસિંહ ધનીરામ રોપવે ઓપરેટર રહે. રાજૌરી જમ્મુ કાશ્મીર.(૩) દિલીપસિંહ નવલસિંહ કોળી મંદિર સિક્યુરિટી ગાર્ડ રહે.મોતીપુરા ગામ બોડેલી.(૪) હિતેશ હસમુખભાઈ બારિયા, અન્નક્ષેત્ર રહે.જૂની બોડેલી.(૫) અન્નાજી ઉર્ફે ભૈરવલાલ રતિલાલ જાટ,હોટલ કર્મચારી રહે. ગીતાવાસ રાજસ્થાન.(૬) સુરેશ રયજીભાઈ માળી,ફુલના વેપારી નો સમાવેશ થાય છે જ્યારે આ તમામ મૂર્તદેહોને મોડી રાત્રે પીએમ કરાવી તેઓના પરિવારજનોને સોપવામાં આવ્યા હતા.