ગોધરાના ખાતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો
પંચમહાલ જિલ્લાના ૦૨ લાખથી વધુ ખેડૂતોને ડીબીટીના માધ્યમથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ૨૦ મા હપ્તાની રકમ વિતરણ કરાઈ
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી ગોધરા
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત દેશભરમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલ રાજપુતની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાનો પી.એમ.કિસાન ઉત્સવ કાર્યક્રમ ગોધરા-અમદાવાદ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર(BAPS), ગોધરા ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના ૨૦ માં હપ્તા પેટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ૦૯ કરોડ ૭૦ લાખથી વધુ ખેડૂતોને રૂપિયા ૨૦,૫૦૦ કરોડની રકમ ડીબીટીના માધ્યમથી સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. સમગ્ર રાજ્યના ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા ૧૧૧૮ કરોડથી વધુની રકમ તેમજ પંચમહાલ જિલ્લાના કુલ ૦૨ લાખથી વધુ લાભાર્થીઓને ૪૩ કરોડથી વધુની રકમ કિસાન સમ્માન નિધિ યોજનાના ૨૦ માં હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સીધું જ લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવી હતી.
આ તકે કાર્યક્રમના અધ્યક્ષશ્રી શીશપાલ રાજપુત એ જણાવ્યું હતુ કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના આજે કરોડો ખેડૂતોના સ્વાભિમાનનું પ્રતિક બની છે. તેમણે જણાવ્યું કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયાસરત છે. ખેડૂતોનો વિકાસ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પના આધારસમ છે. ગુજરાતમાં ખેડૂતો આત્મનિર્ભર બને અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન હેઠળ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ મહત્તમ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી છે તેમ જણાવી પ્રાકૃતિક ખેતીના વિવિધ ફાયદાઓ વિશે વાત કરી તેની જરૂરીયાત બતાવી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિના શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ માટે હાલોલમાં કાર્યરત વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી છે તેમ જણાવી સૌને એનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિના ૬ હજારથી વધુ તાલીમ કેન્દ્ર બનાવ્યા છે તેનો લાભ લેવા ખેડૂતોને અપીલ કરી ઉપસ્થિત તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની વાત કરી તેમણે સરકાર દ્વારા અમલી બનાવાયેલ પ્રાકૃતિક ખેતી અને બાગાયત પાકની ખેતી માટે અમલી યોજનાઓ વિશે જણાવ્યું હતું. તેમજ તેમણે જીવનમાં યોગના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતા ફાયદાઓ અંગે જણાવી યોગના મહત્વ વિશે સમજણ આપી હતી તથા યોગને જીવનનો એક ભાગ બનાવવા તમામ ખેડૂતોને અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણૂકાબેન ડાયરાએ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે તેમ જણાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે તેમજ નાના અને સિમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વર્ષ ૨૦૧૯ થી અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂત પરિવારોને પ્રતિ વર્ષ રૂપિયા ૬,૦૦૦/- ત્રણ સમાન હપ્તામાં સહાયરૂપે ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર (DBT)ના માઘ્યમથી ચુકવવામાં આવે છે. યોજનાનો હેતુ દેશના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને દવા, ખાતર અને બિયારણની ખરીદી કરવા માટે મદદરૂપ થવા તથા આવક બમણી કરવા અને કૃષિક્ષેત્રને મજબુત બનાવવાનો છે. વધુમાં તેમણે પંચમહાલ જિલ્લામાં ૦૨ લાખથી વધુ ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ ઉપર નોંઘાયેલા છે તેઓને અત્યાર સુધી ૧૯ હપ્તા થકી રૂપિયા ૭૬૨૭૨.૮૮ લાખ જેટલી રકમની સહાય ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર (DBT)ના માઘ્યમે આપવામાં આવી છે તેમ જણાવ્યુ હતુ.
આ તકે ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ જણાવ્યુ હતુ કે ખેડૂતોની વ્યથા સમજીને વડાપ્રધાનશ્રીએ પીએમ કિસાન સમ્માન નિધી યોજનાની શરૂઆત કરી હતી અને આજે તેનો ૨૦ મો હપ્તો ખેડૂતોને અપાઇ રહ્યો છે તે આનંદની વાત છે. તેમણે વધુમાં ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ જણાવી ખેડૂતોની તાલીમ અને વિકાસમાં તાલીમ કેન્દ્રો અને કૃષિ યુનિવર્સીટીઓની ભૂમિકા અગત્યની છે તેમ જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથારએ આજના દિવસને વિશેષ દિવસ ગણાવતા જણાવ્યુ હતુ કે આજના દિવસે દેશના કરોડો ખેડૂતોને ડીબીટીના માધ્યમથી પી.એમ.કિસાન સમ્માન નિધીનો ૨૦મા હપ્તાની રકમ વિતરણ કરવામાં આવી રહી છે. તેમણે ખેડૂતોને દેશની કરોડરજ્જૂ ગણાવી દેશના વિકાસના પાયામાં ખેડૂતોના મહ્ત્વને ઉજાગર કર્યો હતો. વધુમાં તેમણે જાડા ધાન એટલે કે મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીને આજના સમયની જરૂરીયાત ગણાવી તેનાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના ૧૩ લાભાર્થીઓને કાર્યક્રમના અધ્યક્ષ અને અન્ય મંચસ્થ મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાકીય ઘટક હેઠળ સહાય કીટ અને પૂર્વ મંજૂરી હૂકમનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રંજનબેન રાઠોડ, નગરપાલિકા પ્રમુખશ્રી જયેશભાઇ ચૌહાણ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અરવિંદસિંહ પરમાર અને અગ્રણી શ્રી મયંકભાઇ દેસાઇ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.