વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.14 જુલાઈ : કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ મુન્દ્રા-બારોઇ નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. વરસાદી માહોલ બાદ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.
મુન્દ્રા-બારોઇ નગરપાલિકા દ્વારા શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વરસાદી પાણી જ્યાં જ્યાં ભરાયા છે ત્યાંથી પાણી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ ઉપરાંત, મચ્છરોની ઉત્પત્તિ થઈ શકે તેવી જગ્યાઓ, જેમ કે ખાડા-ખાબોચિયા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં, જંતુનાશક દવાનો નિયમિત છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ પગલાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડીને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોને ફેલાતા અટકાવવામાં મદદરૂપ થશે.
આરોગ્યતંત્ર પણ રોગ અટકાયતી કામગીરીમાં સક્રિયપણે જોડાયું છે. તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટિયાએ જણાવ્યું કે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગોના લક્ષણોની તપાસ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર પાસે જંતુનાશક દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને આગામી દિવસોમાં પણ સફાઈ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. સ્થાનિક સોસાયટીના લોકોને પણ આ સફાઈ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.વરસાદના વિરામ બાદ પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે તંત્ર સંપૂર્ણપણે સાબદું બન્યું છે અને લોકોના સહકારથી આ પરિસ્થિતિને સફળતાપૂર્વક નિયંત્રિત કરી શકાશે તેવી અપેક્ષા છે.
બોક્સ – લોકોને સહકાર આપવા અપીલ:તાલુકા આરોગ્ય અધિકારી ડો.યોગેન્દ્ર પ્રસાદ મહતોએ આ અંગે વધુ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ચોખ્ખા અને બંધિયાર પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે, જેમાંથી પોરા અને પુખ્ત મચ્છર બને છે. આ ચેપી મચ્છરો તંદુરસ્ત વ્યક્તિને કરડવાથી ડેન્ગ્યુ જેવા ગંભીર રોગો થઈ શકે છે.
બોક્સ – તાલુકા આરોગ્ય અધિકારી ડો. મહતોએ લોકોને નીચે મુજબની તકેદારી રાખવા અનુરોધ કર્યો છે:ઘર અને તેની આસપાસ ભરાઈ રહેલા પાણીના પાત્રો (ફૂલદાની, કૂંડા, ટાયર, પાણીની ટાંકી વગેરે) ની નિયમિત સાફ-સફાઈ કરવી.પાણીના પાત્રોને ઢાંકીને રાખવા જેથી મચ્છરો ઇંડા ન મૂકી શકે.