વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ દ્વારા ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ તરીકે સ્નેહલભાઈ રામુભાઈ ઠાકરેની નિમણૂક કરવામાં આવી છે.તેમની આ નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટી નબળી પડી છે.અને ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે.સ્નેહલભાઈ ઠાકરે અગાઉ કૉંગ્રેસ પાર્ટીમાં પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.તેમની શૈક્ષણિક લાયકાત અને યુવા નેતૃત્વ તેમની ઓળખ છે.ડાંગ જિલ્લામાં વિરોધ પક્ષ તરીકે તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે તેમની સરાહનીય અને કર્તવ્યનિષ્ઠ કામગીરીનું પ્રતિબિંબ છે.હાલમાં ડાંગ જિલ્લામાં રાજકીય પરિસ્થિતિ કૉંગ્રેસ માટે પડકારજનક છે. ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને એકમાત્ર ધારાસભ્યની બેઠક ભાજપના કબજામાં છે. આ સ્થિતિ કૉંગ્રેસ પાર્ટી માટે ચિંતાનો વિષય છે, કારણ કે જિલ્લામાં પક્ષ એક રીતે “પડી ભાંગ્યો” છે તેમ કહી શકાય.ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટી બેઠી થાય કે કેમ તેના પર અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.આવી કપરી પરિસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે સમક્ષ કૉંગ્રેસ પાર્ટીને ફરીથી બેઠી કરવાનો અને તેને મજબૂત બનાવવાનો મોટો પડકાર છે. તેમના પર પક્ષના કાર્યકરોને એકજુટ કરવા, સંગઠનને મજબૂત બનાવવું અને લોકોનો વિશ્વાસ ફરીથી જીતવાની જવાબદારી રહેશે.આગામી સમયમાં સ્નેહલભાઈ ઠાકરે ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટીને પુનર્જીવિત કરવા માટે કેવા પ્રયાસો કરે છે અને તેમાં કેટલા સફળ થાય છે તે આવનાર સમયમાં જોવું રસપ્રદ રહેશે..