
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા : C.A ને શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી 24.73 લાખની ઠગાઈ – સાયબર ગેંગે ફસાવતાં અરવલ્લી સાયબર ક્રાઇમે એક આરોપીને દબોચ્યો
અરવલ્લી જિલ્લામાં સાયબર ફ્રોડના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. મોડાસા શહેરમાં રહેતા એક ચાર્ટડ એકાઉન્ટન્ટને શેર બજારમાં ઊંચા નફાની લાલચ આપી સાયબર ગેંગે 24.73 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદના આધારે અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી કાર્યવાહી કરી સાયબર ગેંગના એક સાગરિતને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.મોડાસા શહેરના સાઈ મંદિર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારીના ચાર્ટડ એકાઉન્ટન્ટ વિશાલ ચંદુલાલ અઢિયાનો સંપર્ક સાયબર ક્રાઇમ ગેંગની એક યુવતીએ સોશિયલ મીડિયા મારફતે કર્યો હતો. વાતચીત દરમિયાન યુવતીએ શેર માર્કેટ, IPO અને અન્ય રોકાણમાં ઊંચું વળતર મળતું હોવાની લોભામણી વાતો કરી વિશ્વાસમાં લઈ લીધા હતા.પ્રારંભિક તબક્કે રોકાણ સામે સારો નફો તેમના એકાઉન્ટમાં દેખાડવામાં આવતા ચાર્ટડ એકાઉન્ટન્ટનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. ત્યારબાદ સાયબર ગેંગે અલગ-અલગ બેંક ખાતાઓમાં રોકાણ કરવાનું કહી ધીરે-ધીરે કુલ 24.73 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. અંતે નફો મળવાનું બંધ થતાં અને પૈસા ઉપાડવામાં મુશ્કેલી પડતા તેઓને સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો અહેસાસ થયો હતો.ફ્રોડની જાણ થતાં વિશાલ અઢિયાએ અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ PI બી.કે. વાઘેલા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફ્રોડના નાણા જમા થનાર ખાતાધારક જાહીદઅલી ગુલામઅબ્બાસ પૂંજાની (રહે. રોયલ ગાર્ડન ફ્લેટ, મુંબ્રા-થાણે, મહારાષ્ટ્ર)ને ઝડપી લેવામાં આવ્યો હતો.સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો છે તેમજ સાયબર ગેંગના મુખ્ય સૂત્રધાર અને અન્ય સાગરિતોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.




