ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાના ખેડૂતની પ્રાકૃતિક ખેતીમાં સફળતા.એક વીઘામાં 500 મણ પ્રાકૃતિક હળદરનો પાક

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના ખેડૂતની પ્રાકૃતિક ખેતીમાં સફળતા.એક વીઘામાં 500 મણ પ્રાકૃતિક હળદરનો પાક

અરવલ્લી જિલ્લા, ધનસુરા તાલુકાના રાયનનો માળ ગામના ખેડૂત વિજયભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. અંદાજિત માત્ર એક વીઘા જમીનમાં તેમણે 500 મણ ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રાકૃતિક હળદરનો મબલખ પાક ઉગાડ્યો છે. આ સિદ્ધિ વિજયભાઈની મહેનત અને કુદરતી પદ્ધતિઓ પરના અતૂટ વિશ્વાસનું પરિણામ અને આજના રાસાયણિક ખેતીના યુગમાં પ્રાકૃતિક ખેતીની અસરકારકતા અને લાભોનું જીવંત પ્રમાણ છે.

વિજયભાઈ પટેલ જણાવે છે કે, “પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા પછી જમીનની ફળદ્રુપતા સ્વાભાવિક રીતે વધી છે, પાકની ગુણવત્તા અદ્ભુત મળી છે અને ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે. રાસાયણિક ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ ન કરતાં પાક સ્વાસ્થ્યપ્રદ અને પર્યાવરણ માટે હાનિકારક નથી. આ પાક માત્ર આર્થિક રીતે લાભદાયી નથી, પરંતુ આગામી પેઢી માટે જમીનને સુરક્ષિત રાખવાનો પણ માર્ગ છે.”આ અસાધારણ ઉત્પાદનથી વિજયભાઈ અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમની સફળતા જોઈને આસપાસના ગામો અને જિલ્લાના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ તરફ આકર્ષાઈ રહ્યા છે. આ પદ્ધતિમાં દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર આધારિત જીવામૃત, બીજામૃત અને કુદરતી જંતુનિયંત્રણ જેવી તકનીકોનો ઉપયોગ કરીને ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મેળવી શકાય છે એમ તેઓ બતાવે છે.

ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. આ બોર્ડના માર્ગદર્શન, તાલીમ અને સહયોગથી રાજ્યભરમાં અનેક ખેડૂતો સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ના દૂરદર્શી વિઝન હેઠળ ગુજરાતને 100% પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.પ્રાકૃતિક કૃષિ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને માનવ સ્વાસ્થ્ય, પર્યાવરણ સંરક્ષણ અને જમીનની લાંબા ગાળાની ફળદ્રુપતા માટે પણ અત્યંત જરૂરી છે. વિજયભાઈ પટેલની આ સફળતા દર્શાવે છે કે કુદરત સાથે જીવવું એટલે સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બંને મેળવવું.

 

Back to top button
error: Content is protected !!