
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાની ‘સન્ડે ઓન સાયકલિંગ’ મુહિમે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું : ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિનું પ્રતીક બનેલી લોકપ્રિય પહેલ
અરવલ્લી જિલ્લામાં ફિટ ઈન્ડિયા મૂવમેન્થી પ્રેરિત ‘સન્ડે ઓન સાયકલિંગ’ મુહિમે તા. ૫ જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ થયેલી આ ઝુંબેશે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી પ્રશસ્તિ પારીક (IAS)ના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી આ પહેલે ટૂંક સમયમાં જ જિલ્લાના નાગરિકોમાં ફિટનેસનું પ્રતીક બની ગઈ છે અને મેદસ્વિતા-મુક્ત ભારતના લક્ષ્ય તરફ મજબૂત પગલું ભર્યું છે.આ મુહિમની શરૂઆતથી જ દર રવિવારે ૫૦થી ૬૦ નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. મહિલાઓ, વડીલો, યુવાનો તેમજ બાળકો પણ આ સાયકલિંગમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે. સાયકલિંગની દૂરી ૪૦ કિલોમીટરથી લઈને ૧૫૦ કિલોમીટર સુધીની રહે છે, જે શારીરિક તંદુરસ્તી વધારવાની સાથે પર્યાવરણ જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે.
સાયકલિંગના અનેક આરોગ્યલાભો છે. તે વજન નિયંત્રણમાં મદદ કરે છે, હૃદયને મજબૂત બનાવે છે, ડાયાબિટીસ જેવા રોગોથી બચાવે છે અને માનસિક તાજગી આપે છે. વધુમાં, તે સ્નાયુઓને મજબૂત બનાવે છે, એકાગ્રતા વધારે છે અને વાહનોના ઉપયોગથી થતા પ્રદૂષણને ઘટાડીને પર્યાવરણને સુરક્ષિત રાખવામાં યોગદાન આપે છે.કલેક્ટર પ્રશસ્તિ પારીકના નેતૃત્વમાં આ પહેલ સંપૂર્ણપણે સ્વૈચ્છિક અને સમુદાય આધારિત છે, જેમાં કોઈ આદેશ કે દબાણ વિના નાગરિકો પોતાની મેળે જોડાઈ રહ્યા છે. આ મુહિમ અરવલ્લી જિલ્લાનું ગૌરવ બની છે અને ફિટનેસની ઉજવણી તરીકે જિલ્લાવાસીઓમાં લોકપ્રિયતા મેળવી રહી છે.આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પણ આ મુહિમમાં જોડાઈને દર રવિવારે સાયકલિંગ કરી સ્વસ્થ, ફિટ અને પર્યાવરણપ્રિય જીવનશૈલી અપનાવે. ‘સન્ડે ઓન સાયકલિંગ’ ફિટનેસની ઉજવણી, અરવલ્લીનું ગૌરવ!




