
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માત્ર કાગળ પર: ૧૨ વર્ષ બાદ પણ કચેરીને તાળાં, સાબરકાંઠામાં પણ મહેકમ ખાલી હોવાથી જનતા રામભરોસે..કોંગ્રેસના આક્ષેપો
અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યાને ૧૨ વર્ષથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં, પ્રજાના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ) હજુ પણ ‘રામભરોસે’ ચાલી રહ્યું છે. સરકારી દફતરે આ ઓફિસ ૦૯/૦૨/૨૦૨૬ થી કાર્યરત હોવાનું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ આ કચેરીને તાળાં લટકી રહ્યા છે અને ત્યાં કચેરીનું કોઈ બોર્ડ સુધ્ધાં લગાવવામાં આવ્યું નથી.
આ ગંભીર બેદરકારી ત્યારે પ્રકાશમા આવી જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ ,પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ અને યુવા કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ ડામોર સહિતનાઓ એ કચેરીની રૂબરૂ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે કચેરીમાં કોઈ જ સ્ટાફ હાજર નથી , કચેરીને તાળુ છે અને આશ્ચર્યજનક રીતે અરવલ્લી જિલ્લા માટે કોઈ મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું નથી. આ સમગ્ર વહીવટ સાબરકાંઠા જિલ્લાથી ચલાવવામાં આવે છે, પરંતુ સાબરકાંઠાની સ્થિતિ પણ અત્યંત દયનીય છે.
સાબરકાંઠા વિભાગના મદદનીશ કમિશનરની જગ્યા ગત ૩૧/૦૧/૨૦૨૬ થી ખાલી પડી છે અને અત્યાર સુધી કોઈને પણ આ જગ્યાનો ચાર્જ સોંપવામાં આવ્યો નથી. સ્ટાફની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે, ફૂડ ઇન્સ્પેક્ટરોની મંજૂર થયેલી ૮ જગ્યાઓ પૈકી માત્ર ૩ જ ભરાયેલી છે, જ્યારે ૫ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આ ઉપરાંત, વહીવટી સ્ટાફમાં પણ ૨ પૈકી ૧ સિનિયર ક્લાર્કની જગ્યા અને ૨ જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી હોવાથી વહીવટી કામગીરી ઠપ્પ જેવી સ્થિતિમાં છે.હાલમાં જ્યારે જિલ્લામાં નકલી દૂધના ગંભીર મુદ્દાઓ અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના અનેક આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે પ્રજામાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે ફરિયાદ કરવા જવું તો કોની પાસે? ૧૨ વર્ષ વીતવા છતાં પણ સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં સ્વતંત્ર અને પૂરતા સ્ટાફ સાથેની કચેરી કાર્યરત કરવામાં ન આવતા કોંગ્રેસ પક્ષ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેને કારણે ભેળસેળિયા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે.





