ARAVALLIGUJARATMEGHRAJMODASA

અરવલ્લી : અનોખી પરંપરાથી ઉજવાઈ બાંઠીવાડા ગામની હોળી, ધૂળેટીના દિવસે પ્રગટે છે હોળી , મંત્રી – સાંસદ એ વગાડ્યો ઢોલ, ભારતમાં પાંચમાં નંબરની હોળીનું સ્થાન હોવાનું અનુમાન 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : અનોખી પરંપરાથી ઉજવાઈ બાંઠીવાડા ગામની હોળી, ધૂળેટીના દિવસે પ્રગટે છે હોળી , મંત્રી – સાંસદ એ વગાડ્યો ઢોલ, ભારતમાં પાંચમાં નંબરની હોળીનું સ્થાન હોવાનું અનુમાન

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે વર્ષોથી ચાલતી આવતી અનોખી પરંપરા અનુસાર ધૂળેટીના દિવસે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળી પ્રગટાવવાની પરંપરા છે, જ્યારે બાંઠીવાડા ગામમાં ધૂળેટીના દિવસે સવારે હોળી પ્રગટાવવામાં આવતી હોવાથી આ ઉજવણી વિશેષ ઓળખ ધરાવે છે. સ્થાનિક માન્યતા મુજબ ભારતની અનોખી હોળીઓમાં આ હોળીનું મહત્વપૂર્ણ સ્થાન ગણાય છે.

બક્ષીપંચ ઠાકોર સમાજની વસ્તી ધરાવતા બાંઠીવાડા ગામમાં કુલ ૧૨ મુવાડા આવેલાં છે અને આશરે દસથી બાર હજાર લોકોની વસતિ ધરાવતા આ ગામમાં હોળી સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. “દિવાળી અઠે-કઠે પણ હોળી માદરે વતને” કહેવત મુજબ દેશ-વિદેશમાં વસતા ગામજનો પણ ખાસ આ તહેવાર માટે વતનમાં પરત ફરતા હોય છે.

ધૂળેટીના દિવસે વહેલી સવારથી જ બારેય મુવાડાના લોકો ઢોલ-ત્રાંસા, લાઠીઓ અને પરંપરાગત વેશભૂષા સાથે એક સ્થળે ભેગા થાય છે. સમાજના મુખી દ્વારા રૂઢિગત રીતિ-રિવાજ મુજબ હોળીની ખાદ્ય કરવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદી તેમાં ચાર માટીના લાડુ મૂકીને ઉપર કુંભ સ્થાપવામાં આવે છે અને ધજા સાથેનો સ્તંભ રોપવામાં આવે છે.

ત્યારબાદ મહિલાઓ સહિત ગામજનો ઢોલના તાલે હોળીના લોકગીતો ગાઈ લાઠી રમી ઉત્સવની ઉજવણી કરે છે. થોડા જ સમયમાં હોળી માટે લાકડાનો વિશાળ થર તૈયાર કરી સમાજના આગેવાનો શ્રીફળ વધેરી ચાર કાકડાઓ દ્વારા અગ્નિ પ્રગટાવે છે. આગેવાનો સળગતા કાકડા લઈને હોળીની પ્રદક્ષિણા કરતા હોળી પ્રજ્વલિત કરે છે. હોળી પ્રગટ્યા બાદ હજારો લોકો શ્રીફળની સામુહિક આહુતિ આપી પ્રદક્ષિણા કરે છે.સાંજ સમયે સમગ્ર ગામ ફરી હોળી સ્થલે ભેગું થઈ પાણીનો લોટો રેડી હોળીને ટાઢી પાડે છે. હોળીના સ્તંભ નીચે મૂકાયેલા માટીના લાડુ અને કુંભ બહાર કાઢી તેમાં રહેલા ભેજના આધારે આવનાર વર્ષમાં વરસાદ અને ખેતી કેવી રહેશે તેનો વરતારો કરવામાં આવે છે. ચાર માટીના લાડુ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનાનું પ્રતિક માનવામાં આવે છે.ગાગરનું પાણી નાના બાળકોની આંખે લગાડવાથી રોગબાધા દૂર રહે તેવી લોકમાન્યતા પણ અહીં પ્રચલિત છે. બાઠીવાળા ગામમાં આ અનોખી હોળી દ્વારા લોકો જૂના મતભેદો ભૂલી ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા વર્ષો જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે

ખાસ કરીને આજના દિવસે સાબરકાંઠા અરવલ્લી ના સાંસદ શોભનાબેન બારૈયા, ગુજરાત રાજ્યના મંત્રી પી સી બરંડા સહિત અનેક લોકો જોડાયા હતા મંત્રી તેમજ સાંસદ એ લોકો સાથે ઢોલ વગાડી ઉજવણી માં સહભાગી બન્યા હતા આજના પ્રસંગે દસ હજારથી વધુ લોકો જોડાયા હતા અને ધુળેટીના દિવસે હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી. હોળી પ્રસંગમાં કોઈ ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!