
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – ઉમેદવારી પ્રક્રિયાનો ધમધમાટ, મેઘરજમાં ભાજપની જંગી રેલી – રૂપલબેન પંડ્યાએ મેઘરજ જિલ્લા પંચાયત બેઠક નંબર ૨૦ પરથી ઉમેદવારી નોંધાવી
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત સાથે રાજકીય ચહલપહલ તેજ બની છે. જિલ્લા ભરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તથા કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ચૂંટણી માહોલ ગરમાયો છે.
મેઘરજ ખાતે ભાજપ તરફથી ઉમેદવાર રૂપલબેન પંડ્યાએ ભવ્ય રેલી સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકોની હાજરીમાં યોજાયેલી આ રેલીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉમેદવારી નોંધાવતા પહેલાં રૂપલબેન પંડ્યાએ વિધિવત પુજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.રૂપલબેન પંડ્યાએ મેઘરજ જિલ્લા પંચાયત બેઠક નંબર ૨૦ પરથી ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે મંત્રી અને પક્ષના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. મંત્રીએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે મેઘરજ જિલ્લા પંચાયતની તમામ ૫ બેઠકો તેમજ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો જીતાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.આ સાથે જ મંત્રીએ દાવો કર્યો કે ભાજપ ગુજરાતમાં સૌથી વધુ બેઠકો જીતશે અને ભિલોડા વિધાનસભા ક્ષેત્ર સમગ્ર રાજ્યમાં અવ્વલ રહેશે. ચૂંટણી પૂર્વે આવી રાજકીય હલચલ વચ્ચે અરવલ્લી જિલ્લામાં રાજકારણ વધુ ગરમાયું છે.





