
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : RTO કચેરીમાં અનઅધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ કાગળ પૂરતો..!!! દલાલો બેફામ
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સ્થિત જીલ્લા સેવાસદન સામે આવેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO)માં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું વારંવાર બહાર પડતું હોવા છતાં તેનું અસરકારક અમલીકરણ થતું નથી તેવી ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. કચેરીના પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં દલાલોનો ખુલ્લેઆમ જમાવડો જોવા મળી રહ્યો છે.RTO કચેરીમાં રોજ મોટી સંખ્યામાં નાગરિકો ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી સહિતની વિવિધ કામગીરી માટે આવે છે. આ સ્થિતિનો લાભ લઈ કેટલાક અનઅધિકૃત ઇસમો અરજદારોને ભોળવીને, લલચાવીને અથવા ગેરમાર્ગે દોરી “કામ સરળતાથી થઇ જશે” તેવી ખાતરી આપી નાણાં પડાવતા હોવાની ફરિયાદો વ્યાપક બની છે. ખાસ કરીને એક કોમ્પ્લેક્ષમાં ઓનલાઈન પ્રક્રિયા માટે પહોંચતા અરજદારોને તરત જ દલાલો ઘેરી વળે છે.
તાજેતરમાં આવી ફરિયાદોને ધ્યાનમાં લઈ RTO કચેરી દ્વારા અનઅધિકૃત ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા દરખાસ્ત કરાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સત્તાનો ઉપયોગ કરી 60 દિવસ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામાનો હેતુ કાયદો-વ્યવસ્થા જાળવવાનો અને નાગરિકોને છેતરપિંડીથી બચાવવાનો છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં તેનો અમલ થતો નથી એવી બૂમ ઉઠી છે.પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક ઇન્સપેક્ટરોના નામે ફોલ્ડરોની આટાફેરા કરી બારોબાર “વહિવટ” થતો હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા તંત્ર નવા-નવા પ્રયોગો કરે છે, પરંતુ લેભાગુ તત્વો તેના તોડ શોધી લે છે તેવો જનભાવના બની છે.જાણકારોનું કહેવું છે કે જો ઇન્સપેક્ટરોને અગાઉથી સપ્તાહભરની ડ્યુટીની જાણ કરવાના બદલે રોજેરોજ સરપ્રાઇઝ ડ્યુટી ફાળવવામાં આવે અને અધિકારીને પણ નોકરીએ હાજર થાય ત્યારે જ પોતાની જવાબદારીની જાણ થાય તેવી વ્યવસ્થા અમલમાં આવે, તો સેટીંગબાજો પર અસરકારક બ્રેક લાગી શકે. સતત એક જ ટેબલ પર સપ્તાહભર બેસતા અધિકારીઓના બદલે રોજ નવા અધિકારીની ફરજ ગોઠવાય તો પણ દલાલગિરિ પર નિયંત્રણ આવી શકે.હાલ ચાર્જમાં રહેલા RTO અધિકારીએ પારદર્શિતા અને જનહિતમાં તાત્કાલિક અને કડક પગલાં લેવા જરૂરી બન્યા છે, નહીં તો જાહેરનામા માત્ર કાગળ પૂરતા રહી જશે તેવી નાગરિકોમાં આશંકા વ્યક્ત થઇ રહી છે.





