
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગાયગોઠણથી ગાઢવી ગામ સુધી પાઇપલાઇનમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં પૂર્વ ડિરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યા દ્વારા મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં પૂર્વ ડિરેક્ટર અને ડાંગ જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,ડાંગ જિલ્લાનાં ડુંગરાળ અને અંતરિયાળ ગામોના લોકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે, તે માટે રાજ્ય સરકારે પાણી પુરવઠા અને વાસ્મો અંતર્ગત અહીં ઘણી બધી યોજનાઓ અમલીકૃત કરી છે. જેમાં સુબીર તાલુકાના ગાયગોઠણ ગામ અને આહવા તાલુકાના ગાઢવી ગામ સુધી પાણીની પાઈપલાઈનનું કામ યોગ્ય રીતે થયેલ નથી.વધુમાં,પાણીની ટાંકીમાં લીકેજનો પ્રશ્ન તથા અપુરતા પ્રમાણમાં કરવામાં આવેલ પાઈપ લાઈનની કામગીરીના કારણે નલ સે જલ યોજના હેઠળ આદિવાસી પરિવારો માટે માત્ર શોભા માટે નળ ગોઠવી દેવામાં આવેલ છે.તેવી પરિસ્થિતિ જોવા મળેલ છે.અહી ઉનાળાની ઋતુમાં પાણીની તંગી વધુ હોય છે, જે બાબતે ગ્રામજનો દ્વારા વ્યક્તિગત ફરિયાદ પણ કરવામાં આવેલ છે અને જે અન્વયે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તારીખ:- 06/04/2023નાં રોજ સ્થળ અને પરિસ્થિતનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે.પરંતુ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવેલ નથી.અહીં લગભગ 1.10 લાખ લિટર પાણીની ક્ષમતા માટે 3 પાણીની ટાંકીઓ છે, જેમાં 2 ભૂગર્ભ ટાંકી અને 1 જમીન ઉપરની ટાંકી જોવા મળે છે. આમ, જો પાઈપલાઈન કે પાણીની ટાંકીનું રીપેરકામ કે મેન્ટેનન્સ કરવાનું હોય તો ચોક્કસ સમયગાળા માટે જેતે એજન્સી/કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે તથા સબંધિત વિભાગની પણ જવાબદારી બને છે,પરંતુ અહીં તો ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં લાખો -કરોડોની યોજના પ્રજાની સુખાકારી માટે આપી તો છે,પરંતુ ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની નિષ્કાળજી અને બેજવાબદારીના પરિણામે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.અહીના લોકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી રહેલ હોવા છતાં પણ અધિકારીઓએ યોજનાકીય કામગીરી પર ધ્યાન આપેલ નથી,અને કામની ગુણવત્તા તપાસેલ નથી અને કામનું પૂરતા પ્રમાણમાં અમલ પણ કરાવેલ નથી તથા પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવેલ નથી. જેથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે આયોજનામાં ભ્રષ્ટાચાર થયાનું દેખાઈ આવે છે. જેના પરિણામે હંમેશા આદિવાસીઓના હિત માટે કામ કરનાર રાજ્ય અને કેન્દ્ર સરકારની છબી બગાડવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહેલ છે.આમ, ડાંગ જિલ્લાના આદિવાસી લોકોને ઉક્ત યોજના હેઠળ પાણીની સુવિધાથી વંચિત રાખવા માટે જવાબદાર એવા પાણી પુરવઠાની કામગીરી અંગે રાજ્ય કક્ષાએથી યોગ્ય તપાસ કરાવી શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવી માંગ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં પૂર્વ ડિરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યા દ્વારા કરવામાં આવેલ છે..




