ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું, કંડલા પોર્ટ પર 1 મેગાવોટના પ્લાન્ટ માટે ઈલેક્ટ્રોલાઈઝર્સ મોકલાયા
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: નવીન ઉર્જા ક્ષેત્રે ગુજરાતે વધુ એક મોટું પગલું ભર્યું છે. નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન અંતર્ગત કંડલાના દિન દયાલ પોર્ટ ઓથોરિટી ખાતે 1 મેગાવોટના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની સ્થાપના માટે “મેઈડ-ઇન-ઇન્ડિયા” હેઠળ ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઈઝર્સની પ્રથમ કન્સાઈનમેન્ટને કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે હજીરાથી વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ કરી.
DPAનું વિઝન: કંડલાને ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવાનો પ્રયાસ
કેન્દ્ર સરકારના ગ્રીન ઉર્જા લક્ષ્યને અનુરૂપ, દિન દયાલ પોર્ટ ઓથોરિટી (DPA) દ્વારા ડિસેમ્બર 2024માં 1 મેગાવોટના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની સ્થાપના માટે કામગીરી શરૂ કરવામાં આવી છે, જે આગામી સમયમાં 10 મેગાવોટ સુધી વિસ્તરી શકે છે. આ પ્લાન્ટનો મુખ્ય હેતુ ઇજનેરો અને ટેકનિશિયનો માટે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન, સંગ્રહ અને સંચાલન માટે એક વ્યાપક પ્લેટફોર્મ તૈયાર કરવાનો છે. સાથે જ દરિયાઈ ક્ષેત્રમાં ટકાઉ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.
ત્રણ મહિનાના રેકોર્ડ સમયમાં ઈલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન
L&T એ કંડલા ખાતેના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ માટે જરૂરી ઈલેક્ટ્રોલાઈઝર માત્ર ત્રણ મહિનાની અંદર જ બનાવી પૂરો પાડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ પહેલાં ઉદ્ઘાટન કરેલા હજીરાના 1 મેગાવોટના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની સ્થાપનામાં પણ L&T એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઈલેક્ટ્રોલાઈઝર ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે, જે હાઈડ્રોજનની ઉત્પાદન પ્રક્રિયામાં કેન્દ્રસ્થાન ધરાવે છે.
જુલાઈ 2025 સુધીમાં પ્લાન્ટ કાર્યરત થવાનો લક્ષ્યાંક
DPA દ્વારા કંડલા ખાતે સાઇટનું પ્રાથમિક કામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં અહીં ઈલેક્ટ્રોલાઈઝર્સ એસેમ્બલ કરાશે અને જૂલાઈ 2025 સુધીમાં પ્લાન્ટને સંપૂર્ણપણે કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્લાન્ટની અંદાજિત ઉત્પાદન ક્ષમતા 18 કિલો ગ્રીન હાઈડ્રોજન પ્રતિ કલાક છે, જે દર વર્ષે આશરે 80-90 ટન સુધી પહોંચે છે. આ સિદ્ધિ સાથે DPA કંડલા દેશનું પ્રથમ એવું બંદર બનશે, જ્યાં સ્વદેશી ઈલેક્ટ્રોલાઈઝરનો ઉપયોગ કરીને ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ કાર્યરત થશે.
ભવિષ્યમાં ગ્રીન એમોનિયા ઉત્પાદનનો પણ અભ્યાસ
DPA ભવિષ્યમાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ સાથે ગ્રીન એમોનિયા ઉત્પાદન એકીકૃત કરવાની યોજના પણ બનાવી રહ્યું છે, જે વૈશ્વિક સ્તરે ભારતની ગ્રીન એનર્જી હબ તરીકેની સ્થિતિને મજબૂત કરશે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અને ટકાઉ વિકાસના વિઝનને આગળ ધપાવશે અને 2050 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્ય સાથે સુસંગત રહેશે.
ફ્લેગ-ઓફ કાર્યક્રમમાં અગ્રણીઓની હાજરી
આ પ્રસંગે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ટી.કે. રામચંદ્રન, IRSME, DPA ચેરમેન સુશિલકુમાર સિંહ, L&T ગ્રીન એનર્જીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડેરેક એમ. શાહ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે DPA ના અધિકારીઓ અને કર્મચારીઓ ગાંધીધામથી વર્ચ્યુઅલી જોડાયા હતા.