
કિરીટ પટેલ બાયડ
ચોમાસુ ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભય રહેતો હોય છે. આવા ભેજવાળા વાતાવરણમાં આપણા ઘરે અને આસપાસમાં પોરા અને મચ્છરનો ઉપદ્રવ વધે છે. જેના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભય હમેશાં આપણા મનમાં રહેતો હોય છે.
આ મચ્છરના નિયંત્રણ માટે અનેક પદ્ધતિઓ છે પરંતુ તેમાં એક અનોખી અને અકસીર પદ્ધતિ છે ગપ્પી ફિશ. વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી માટે અસરકારક પદ્ધતિ તરીકે ગપ્પી ફીશ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે.
બાયડ તાલુકાના વાસણીરેલ, બોરલ, વાસણામોટા, લાક, માધવકંપા જેવા આયુષ્યમાન આરોગ્ય મંદિર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોઈલા, અને ડેમાઈ ખાતે નાની હેચરી બનાવી તેમાંથી નિયમિત ગપ્પીફીશ દરેક તાલુકાના ગામોમાં મોકલવામાં આવી છે. તાલુકાના મોટાભાગના ગામમાં કાયમી ભરાઈ રહે તેવા પાત્રોમાં ગપ્પીફીશ મુકવામાં આવેલ છે.
આ બાબતે દરેક હાઇસ્કુલ ખાતે ગપ્પીફિશનું નિદર્શન કરી વિદ્યાર્થીઓમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના ચિન્હો લક્ષણો, સારવાર તેમજ અટકાયતી કામગીરી માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે. તેમજ ગપ્પી ફિશ પોરાનું ભક્ષણ કરે છે તે વિશે શિક્ષણ આપવામાં આવેલ છે. જેનું ખૂબ જ અસરકારક પરિણામ જોવા મળી રહેલ છે.
૦૦૦૦૦



