
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં મધરાતે ફિલ્મી ઢબે ધાડ – પરિવારને બંધક બનાવી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી સવા બે લાખથી વધુની લૂંટ – માત્ર 20 મિનિટમાં લૂંટ ચલાવી ચોરો ફરાર થયા
જાનથી મારી નાખવાની તેમજ દીકરીનું અપહરણ કરવાની ચોરો આપી હતી ધમકી , ઘરના 5 લોકોને બનાવ્યા હતા બંધક
મોડાસા શહેરના સાકરીયા રોડ પર આવેલી અંજનીવિલા સોસાયટીમાં મધરાતે સર્જાયેલી સશસ્ત્ર ધાડની ઘટનાએ સમગ્ર શહેરમાં ભય અને ચકચાર ફેલાવી છે. અજાણ્યા પાંચ શસ્ત્રધારી ઇસમોએ ઘરના પાછળના દરવાજાનો કાચ તોડી ઘરમાં પ્રવેશ કરી પરિવારના સભ્યોને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૨,૭૧,૧૦૦/- ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, પુજાપાઠનો વ્યવસાય કરતા યાત્રિકકુમાર કશ્યપભાઈ ભટ્ટ (ઉં.વ. ૪૧), હાલ અંજનીવિલા સોસાયટીમાં ભાડેથી રહે છે. તેમની પત્ની રીમાબેન પી.એમ.શ્રી પાંડરવાડા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવે છે. પરિવાર તારીખ ૦૧/૦૨/૨૦૨૬ ના રોજ મોડાસાથી બહાર ગયેલો હતો અને રાત્રીના મોડે ઘરે પરત આવ્યો હતો.રાત્રીના આશરે ત્રણ વાગ્યાના સમયે ઘરના પ્રથમ માળના પાછળના રૂમના દરવાજાનો કાચ તોડી પાંચ અજાણ્યા ઇસમોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઇસમો મોઢા પર રૂમાલ બાંધેલા હતા અને હાથમાં લાકડી, ડિસમીસ તથા પથ્થર જેવા હથિયારો ધારણ કરેલા હતા. ઘરમાં ઘૂસતા જ તેમણે પરિવારના તમામ સભ્યોના મોબાઇલ ફોન કબ્જામાં લઈ લીધા હતા.ધાડ દરમિયાન ફરીયાદી, તેમની પત્ની, માતા અને બે દીકરીઓને ભયભીત કરી બંધક બનાવવામાં આવ્યા હતા. ત્રણ ઇસમોએ ફરીયાદીની પત્ની અને નાની દીકરીને નીચેના માળે લઈ જઈ ઘરમાં રાખેલી તિજોરી ખોલાવી હતી. દાગીના ન આપો તો દીકરીને જાનથી મારી નાખવાની તથા અપહરણ કરવાની ધમકી આપી તિજોરીમાંથી તમામ દાગીના બળજબરીથી કાઢી લીધા હતા.આ દરમ્યાન બે ઇસમોએ ફરીયાદી અને મોટી દીકરી પર નજર રાખી હતી. ફરીયાદી નીચે જવાની કોશિશ કરતા એક ઇસમે લાકડીથી તેમના ડાબા હાથ પર માર મારી ઇજા પહોંચાડી હતી. સાથે જ મોટી દીકરીને ડિસમીસ બતાવી બૂમાબૂમ ન કરવા નું કહેલ જે દરમિયાન લૂંટમાં સોનાની બુટ્ટી, કડીયો, મંગળસૂત્ર, વીંટી, ચૂની સહિત આશરે સવા બે તોલા સોનાના દાગીના (કિંમત રૂ. ૨,૪૫,૦૦૦/-), આશરે ૧૫ તોલા ચાંદીના દાગીના (કિંમત રૂ. ૨૫,૦૦૦/-) તથા રૂ. ૧,૧૦૦/- રોકડ મળી કુલ રૂ. ૨,૭૧,૧૦૦/- ની મત્તા ની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
ધાડ બાદ ઇસમોએ પરિવારને કોઈ ફરિયાદ નહીં કરવાની ચેતવણી આપી “ફરી ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું” એવી ગંભીર ધમકીઓ આપી ફરાર થઈ ગયા હતા. આશરે વીસ મિનિટ સુધી સમગ્ર ઘટનાક્રમ ચાલ્યો હોવાનું જાણવા મળ્યું છે.થોડી વાર બાદ સોસાયટીના રહેવાસીઓ તથા સિક્યુરિટી સ્ટાફ ભેગા થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે ઇસમોના વર્ણન આધારે શોધખોળ હાથ ધરવામાં આવી છે.ઘટના ને લઇ શહેરમાં રહેવાસીઓમાં ભારે ભય અને અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા રાત્રી પેટ્રોલિંગ અને પોલીસ સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે.




