
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – BOB બેંકમાં કેશની અછતથી ગ્રાહકો પરેશાન, આંદોલનની ચીમકી – ઉપરથી કેશ ન આવતી હોવાનું મેનેજરનું રટણ – સિક્યુરિટી ગાર્ડ ધ્વારા ગ્રાહકો જોડે ઉદ્ધત વર્તન કરાતું હોવાના પણ આક્ષેપો ઉઠ્યા

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આવેલી Bank of Baroda શાખામાં છેલ્લા 10 થી 12 દિવસથી કેશની અછત સર્જાતા ગ્રાહકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા હોવાના ગ્રાહકો આક્ષેપો કરી રહ્યા છે. નાણાં ઉપાડવા માટે રોજિંદા ધોરણે બેંકમાં આવતા ગ્રાહકોને ખાલીહાથ પરત ફરવું પડે છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂત, પશુપાલક અને નાના વેપારીઓ માટે આ સ્થિતિ મુશ્કેલીભરી બની છે. ખેતી, વેપાર અને દૈનિક વ્યવહારો માટે જરૂરી નાણાં ન મળતા તેઓને આર્થિક પ્રવૃત્તિઓમાં અવરોધ ઊભો થયો છે.આ મામલે બેંક મેનેજરનું કહેવું છે કે “ઉપરથી કેશ આવતી નથી,” જેના કારણે ગ્રાહકોને નાણાં આપવામાં અસમર્થતા જણાઈ રહી છે. પરંતુ ગ્રાહકોનું કહેવું છે કે તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી.બીજી તરફ, બેંકના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તન થતું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. ખાસ કરીને વૃદ્ધ અને અભણ લોકોને હડધૂત કરવામાં આવતાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની છે.ગ્રાહકો દ્વારા તાત્કાલિક કેશ ઉપલબ્ધ કરાવવા અને સિક્યુરિટી સ્ટાફમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.





