ARAVALLIBHILODAMODASA

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ

—–

માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું

આવતીકાલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૧૬૭.૮૫ કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે

અરવલ્લી જિલ્લાની રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ થયો. રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રથમ દિવસે પ્રારંભ કરાયો.

માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે કૃષ્ણ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કૃષ્ણલીલા, કૃષ્ણભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા. લોકપ્રિય સંગીતકાર ઓસમાણ મીરના દમદાર અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

લોકોને સંબોધતા મંત્રી પી.સી.બરંડાએ જણાવ્યું કે આજે આ પવિત્ર શામળાજીની ધરતી પર આપ સૌને જોઈને મને અપાર આનંદ થાય છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર આપણને એકતા અને સદભાવનાનું સંદેશ આપે છે. યાત્રાધામ શામળાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સતત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ નવીન તાલુકા શામળાજીના વિકાસ માટે પણ સતત કાર્યો કરવામાં આવી રહ્યાં છે. પણ આ સાથે વિસ્તારની કાયા પલટ કરવાની જવાબદારી આપણા સૌની છે.આજે આપણે સૌ મળીને શામળાજી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. આ મહોત્સવ આપણને એકબીજા સાથે જોડે છે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. આપણે સૌ મળીને આ મહોત્સવને વધુને વધુ સફળ બનાવીએ.

મહોત્સવમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ,નિવાસી અધિકારી કલેકટર ડી.વી.મકવાણા, સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તથા મંદિર ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી  હર્ષદ વોરા, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહ પરિવાર કાર્યક્રમને માણ્યો હતો.હજુ બીજા દિવસે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૧૬૭.૮૫ કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. સાથેજ શામળાજી ગુજરાતના ખ્યાતનામ કલાકાર કિંજલ દવે સહિતના કલાકારો દ્વારા ઉજવાશે. ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લા અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

 

Back to top button
error: Content is protected !!