
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા ખાતે કોંગ્રેસનો મોટો પ્રહાર : નકલી દૂધ કૌભાંડની નિષ્પક્ષ તપાસની જોરદાર માંગ
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલા નકલી દૂધના કારોબાર મુદ્દે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલ અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકીએ મોડાસા ખાતે સંયુક્ત પ્રેસકોન્ફરન્સ યોજી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા
પ્રેસકોન્ફરન્સ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધનો કારોબાર ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ પ્રચલિત છે. કેટલાય સામાજિક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક અને સ્પષ્ટ કાર્યવાહી જોવા મળી નથી
આ મામલે ખાસ કરીને સાબર ડેરી દ્વારા સૂચક મૌન ધારણ કરવામાં આવ્યું હોવું નવાઈજનક અને શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું. પશુપાલકો અને ગ્રાહકો બંનેના હિતોને અસર કરતી આ ગંભીર બાબતમાં સંબંધિત સંસ્થાઓ અને તંત્રની નિષ્ક્રિયતા લોકોમાં અનેક સવાલો ઉભા કરે છે.
જિલ્લાઓમાં નકલી દૂધ ઠલવાઈ રહ્યું હોય અને તેનો ખુલ્લેઆમ વેચાણ થતું હોય તો તે આરોગ્ય માટે ઘાતક અને અત્યંત દુઃખદ બાબત છે. ભાજપના નેતાઓ પણ આ મુદ્દે મૌન સાધી રહ્યા હોવાનું જણાવતાં કોંગ્રેસ આગેવાનોએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું આ મુદ્દે રાજકીય દબાણ હેઠળ સત્ય દબાવાઈ રહ્યું છે..? કોંગ્રેસ દ્વારા આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવાની, દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની તથા નકલી દૂધના કારોબારને તાત્કાલિક બંધ કરાવવાની જોરદાર માંગ કરવામાં આવી છે.આ પ્રેસકોન્ફરન્સમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે નકલી દૂધનો કારોબાર બંધ થવો જોઈએ અને દોષિતો સામે પગલાં ભરવા જોઈએ . ભાજપની સરકાર પગલાં લેવા આગળ આવવું જોઈએ.અરૂણભાઈ પટેલ, રામભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ ઠાકોર,કમલેન્દ્રસિંહ પુવાર તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.અંતમાં કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો જિલ્લાકક્ષાએ જનઆંદોલન અને ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.





