
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
*મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ૧૦૦% ગણતરી ફોર્મ (EF) વિતરણ તથા સંકલનની કામગીરી પૂર્ણ*
*જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારિક દ્વારા અરવલ્લી જિલ્લામાં 100% SIR ની કામગીરી પૂર્ણ થતા તમામને અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો*
ભારત ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર તા. ૦૧.૦૧.૨૦૨૬ની લાયકાત તારીખને આધારે રાજ્યમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારયાદીને સંપૂર્ણ ભૂલરહિત, સમાવેશી અને સ્વસ્થ બનાવવાનો છે, જેથી દરેક પાત્ર નાગરિકને મતાધિકારનો લાભ મળી રહે અને મૃત, સ્થળાંતરિત કે ડુપ્લિકેટ મતદાતાઓની નોંધો દૂર થઈ શકે.આ કાર્યક્રમના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના ત્રણેય વિધાનસભા મતવિભાગો એટલે કે ૩૦-ભિલોડા, ૩૧-મોડાસા તથા ૩૨-બાયડમાં બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા તા. ૦૪.૧૧.૨૦૨૫થી ઘરેરઘરે જઈને ગણતરી ફોર્મ (Enumeration Form-EF)નું વિતરણ તેમજ ભરેલા ફોર્મનું સંકલન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી આજે ૧૦૦% સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. તમામ પ્રાપ્ત થયેલ ગણતરી ફોર્મનું ડિજીટાઇઝેશન પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જિલ્લામાં કુલ નોંધાયેલ ૮,૫૮,૭૫૩ મતદારો પૈકી ગણતરી દરમિયાન ૨૭,૦૨૫ મતદારો મૃત, ૩૫,૪૨૭ સ્થળાંતરિત, ૫,૨૯૮ ડુપ્લિકેટ, ૪,૫૬૯ ગેરહાજર તથા ૩૫૮ અન્ય કેટેગરીમાં મળી કુલ ૭૨,૬૭૭ મતદારો “Uncollectable” શ્રેણીમાં નોંધાયેલ છે. આ મતદાતાઓની નોંધો દૂર કરવાની પ્રક્રિયા કાયદેસર રીતે હાથ ધરવામાં આવશે.જે મતદાતાઓનું ગણતરી ફોર્મ ભરાયું નથી કે જેમણે હજુ સુધી પોતાની વિગતો આપી નથી, તેઓ આગામી તા. ૧૧.૧૨.૨૦૨૫ સુધી પોતાના વિસ્તારના બૂથ લેવલ ઓફિસર (BLO)નો સંપર્ક કરીને ફોર્મ ભરાવી શકશે અને પોતાનું નામ મતદારયાદીમાં જાળવી શકશે.
આ કાર્યક્રમનો આગળનો તબક્કો નીચે મુજબ રહેશે :
• તા. ૧૬.૧૨.૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદીનું પ્રસિધ્ધિકરણ કરવામાં આવશે.
• તા. ૧૬.૧૨.૨૦૨૫થી ૧૫.૦૧.૨૦૨૬ સુધી મતદાતાઓ પોતાના નામના ઉમેરણ, કાઢી નાખવા, સુધારા-વધારા માટે ફોર્મ-૬, ૭, ૮ અથવા ૮-એ દ્વારા દાવો-વાંધો રજૂ કરી શકશે.
• ત્યારબાદ તા. ૧૬.૦૧.૨૦૨૬થી ૦૭.૦૨.૨૦૨૬ દરમિયાન તમામ દાવા-વાંધાની સુનાવણી તથા નિકાલ કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લાના તમામ મતદાતાઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ખાતરી કરી લે અને જરૂરી હોય તો ઉપરોક્ત સમયમર્યાદામાં દાવો-વાંધો રજૂ કરે, જેથી લોકશાહીના આ મહાપર્વમાં તેઓ પોતાનો મતાધિકાર ગુમાવે નહીં.




