
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – સાબરકાંઠાના પ્રાંતિજમાં થયેલી ડમ્પર ચોરી કલાકોમાં ઉકેલાઈ, અરવલ્લી S.O.Gએ ₹ 45 લાખના વાહન સાથે બે આરોપી ઝડપ્યા
પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ડમ્પર ચોરીની ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી અરવલ્લી જિલ્લા S.O.G પોલીસએ મહત્વની સફળતા મેળવી છે. ચોરી થયેલું ટાટા કંપનીનું ડમ્પર તથા બે આરોપીઓને ઝડપી પાડીને કુલ ₹45 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે

પોલીસ અધિકારીઓ વિરેન્દ્રસિંહ યાદવ અને મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ ઝડપથી ઉકેલવા સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ વાહન ચેકિંગમાં હતી.મોડાસા-મેઘરજ રોડ પર કૃષ્ણપુર કંપા ત્રણ રસ્તા પાસે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ રીતે આવતું ટાટા ડમ્પર નંબર GJ-18-BW-8121 રોકવામાં આવ્યું. ડમ્પર ચાલક અને તેની સાથેના વ્યક્તિ દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેઓ ગલ્લા-તલ્લા કરતા હતા.આગળની સઘન પૂછપરછમાં બંનેએ પ્રાંતિજ નજીક સાદોલીયા ગામની સીમમાં આવેલા રેતીના પ્લાન્ટમાંથી ડમ્પર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2), 54 મુજબ ગુનો નોંધાયેલ હતો.પકડાયેલા આરોપીઓમાં દિનેશચન્દ્ર વીરજીભાઇ નનોમા અને કાલુરામ ઉર્ફે પોપટ મોતીલાલ ડામોરનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ ડુંગરપુર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.અરવલ્લી S.O.Gની ઝડપી કામગીરીથી ચોરી થયેલું ડમ્પર પુરેપુરું રીકવર થયું છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





