Rajkot: પ્રેમ લગ્ન કરનાર સગર્ભાને પતિએ દગો આપી તરછોડતા ૧૮૧ અભયમ ટીમે હમદર્દ બની આપ્યો સધિયારો

તા.૯/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પરણીતાને રાજકોટ બસ સ્ટેશને બોલાવી, અનેક ફોન કરવા છતાં પતિ તેડવા નહી આવતા બેઘર પરિણીતાને ‘સખી વન સ્ટોપ સેન્ટર’મા આશરો અપાવ્યો
Rajkot: પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્નમાં મહિલાઓ ક્યારેક કફોડી પરિસ્થિતમાં મુકાઈ જતી હોઈ છે. જયારે મહિલાને તેના પતિ તરછોડી દે તે સ્થિતિમાં મહિલાનો એક માત્ર આશરો પણ છીનવાઈ જતો હોવાનો કિસ્સો હાલમાં જોવા મળ્યો છે. જેમાં પત્નીને અડધી રાત્રે મળવા બોલાવી તેને લઈ જવાને બદલે નિરાધાર છોડી દેવામાં આવતા તેમને ૧૮૧ અભયમ ટીમે હમદર્દ બની સહારો આપ્યો છે.
આ અંગે મહિલાઓની મદદ માટે સતત રાત દિવસ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર બહેને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત રોજ એક પીડિતા બહેનનો મહિલા હેલ્પલાઇન પર કોલ આવ્યો હતો. સ્થળ પર પહોંચી ત્યાંની પરિસ્થિતિ જોતા પીડિતા બહેન સતત રડતા હોઈ જેથી તેમને સૌપ્રથમ સાંત્વના આપી. ત્યારબાદ પીડિતા બહેનનું કાઉન્સેલિંગ કરી તેમની સમસ્યા જાણવા પ્રયત્ન કર્યો હતો. પીડિતાએ અત્યંત દુઃખ સાથે તેમની આપવીતી જણાવતા કહ્યું હતું કે, અમે માતા પિતાની મરજી વિરદ્ધ પ્રેમલગ્ન કર્યા છે. લગ્ન જીવનને આશરે આઠ મહિના જેટલો સમય થયો છે. લગ્નજીવનના શરુઆતમાં ખુબ સારો સમય પસાર થયો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમારા બંને વચ્ચે અણબનાવ અને બોલાચાલી થતી હતી. જેથી બંને એકબીજાથી નારાજ પણ હતાં.
આ દરમ્યાન હાલમાં મારા પતિ મને એકલી મૂકી બે-ત્રણ દિવસથી રાજકોટ કોઈ કારણોસર આવ્યા હતા. જેથી હું પણ રાજકોટ આવું છું તેમ કહેતા તેણે મને રાજકોટ બોલાવી હતી. આથી હું રાજકોટ બસ સ્ટેશને મોડી રાત્રે એકલી આવી તેમને તેડી જવા ફોન કર્યો. પરંતુ વારંવાર ફોન કરવા છતાં મને મારા પતિ તેડવા ના આવ્યાં. હું અહીં એકલી કેટલાય કલાકોથી રાહ જોતી હોઈ મારી સાથે દગો થયો હોઈ તેવી લાગણી જન્મી છે. મને કંઈ સમજાતું નહોતું કે હવે મને કોણ સહારો આપશે. આથી અંતે હારીને અભયમને ફોન કર્યાનું પીડિતા જણાવે છે.
આ સમગ્ર કિસ્સો સાંભળી અભયમ ટીમ દ્વારા મહિલાને મદદરૂપ બનવા સૌપ્રથમ તેણીના પતિનો ફોન દ્વારા સંપર્ક કરવા પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. જેથી પરિણીતા અડધી રાતે આમ તેમ ભટકે નહીં તે માટે અભયમ ટીમ દ્વારા પરિણીતાને સુરક્ષિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ માં આશરો આપવામાં આવ્યો હતો. વધુમાં તેમના પતિનો સંપર્ક કરવા પ્રયત્ન કરીશું તેવું આશ્વાસન પણ અભયમ ટીમ દ્વારા પીડિતાને આપવામાં આવ્યું છે.
અડધી રાત્રે એક સગર્ભા મહિલાને સુરક્ષિત સ્થળે આશરો અપાવી દુઃખની આ ઘડીએ હમદર્દ બનવા બદલ મહિલાએ અભયમનો આભાર વ્યક્ત કયો હતો. રાજ્ય સરકાર દ્વારા નારીઓ માટે નારીઓ દ્વારા નારી સુરક્ષાની જવાબદારી અર્થે કાર્યરત અભયમ ટીમ ઉત્કૃષ્ઠ માનવ સેવાની મિસાલ બની છે.


