અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
EXCLUSIVE : મોડાસામાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ ફિલ્મ ઢબે છેલ્લા કેટલાક મહિનાથી ધામા નાખી કરી હતી તૈયારી વાંચો …!!!
*ઈનકમ ટેક્સની રેડની ગંધ કેટલાક બિલ્ડર્સ અને નામાંકિત વેપારીઓને આવી જતા સવારે 4 વાગે મોડાસા છોડી દીધું*
*ઇનકમ ટેક્ષની રેડને પગલે અનેક તબીબો અને બિલ્ડર્સને ત્યાં રેડ પડી હોવાની તરહ તરહની અફવાઓ સતત ત્રણ દિવસ ઉડતી રહી*
*મોડાસા શહેરના એક જાણીતા બિલ્ડર્સ અને તેના ભાગીદારોએ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને ધડાધડ દસ્તાવેજ કરી આપતાં ઇનકમ ટેક્ષની રડારમાં આવી જતા ત્રાટક્યાની ચર્ચા*
*આવકવેરા વિભાગની રેડ પડવા અંગે શહેરીજનોએ મનફાવે તેવા તર્ક-વિતર્ક લગાવી અફવાઓનું બજાર ગરમ રાખ્યું તેમજ ઇડી તપાસમાં જોતરાઈ હોવાની ચર્ચાએ મોડાસા શહેરનું નામ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું*
*એક નામાંકિત પેઢીના એકાઉન્ટન્ટને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ તપાસ માટે બોલાવ્યા પછી ઠંડું પાણી રેડી દીધું હોવાની ચર્ચા*
*આંગડીયા પેઢીઓના સંચાલકો રેડને પગલે શટરો પડી ગયા હતા*
મોડાસા શહેરમાં મંગળવારે પરોઢિયે ૭૦ જેટલા લક્ઝુરિયસ કાર માં પોલીસ કાફલા સાથે ધસી આવેલ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને તેમની ટીમની એન્ટ્રીથી મોડાસા આઇકોનિક બસપોર્ટ નજીક રેડ ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા મોડાસા શહેરમાં આવકવેરા વિભાગે રેડ કરતા પહેલા તેમના ટાર્ગેટ નક્કી થયા બાદ છેલ્લા કેટલાક મહિનાથી અધિકારીઓ અને કર્મીઓએ ધામા નાખ્યા હતા અને બિલ્ડર્સ,મોબાઈલના વેપારી , તબીબો અને તેમના ભાગીદારો અને જમીન દલાલોના ધંધાના સ્થળના અને રહેણાંક સ્થળોની રેકી કરી ફોટોગ્રાફ લોકેશન અને તેમના ત્યાં કામ કરતા કર્મચારીઓની રજેરજની માહિતી એકઠી લીધા બાદ ઓપરેશન મોડાસા માટે ભારે ગુપ્તતા જાળવી સફળ રેડ કરી હતી
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા મોડાસા શહેરમાં રેડ કરતા પહેલા હિંમતનગર શહેરમાં થોડા દિવસ અગાઉ એક હોટલના કેટલાક રૂમ બુક કારવ્યા હતા ત્યાર બાદ સુરત શહેરમાંથી ટેક્સી પાસીંગની 38 જેટલી અને અન્ય શહેરોમાંથી ઇનોવા સહિતની 70 જેટલી ગાડીઓ સપ્લાય કરનાર એજન્સીને 48 કલાક પહેલા ઇંધણ પૂરાવી ડ્રાઈવરો સાથે નિર્ધારિત સ્થળ પર મોકલી આપવા જણાવતા ડ્રાઇવર ગાડીઓ લઇ સ્થળ પર પહોંચી ગયા હતા ઉચ્ચ અધિકારીઓએ પહેલા બપોર બાદ રેડના સ્થળ પર જવાનું જણાવી ડ્રાઈવરોને તૈયાર રહેવા આદેશ આપ્યા બાદ રવિવારે સાંજે નીકળવાનું જણવ્યા બાદ રાત્રે 9 વાગે કહ્યા પછી સતત સમયમાં ફેરફાર કરી સોમવારે બપોરે નીકળવા માટે તૈનાત રહેવા જણાવ્યું હતું ત્યારબાદ ફરીથી સાંજે અને રાત્રે નીકળવાની વાતો વચ્ચે સોમવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ ગાડીઓમાં આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગોઠવાઈ ગયા હતા અને ડ્રાઇવરોના મોબાઇલ સ્વિચ ઓફ કરાવ્યા હતા
સુરતથી ઈનકમ ટેક્સના અધિકારીઓ 70 જેટલી કારના કાફલા સાથે પ્રયાણ કરી સમગ્ર ઓપરેશન ગુપ્ત રહે તે માટે ડ્રાઈવરોને નડીયાદ જવાનું જણાવ્યું હતું નડિયાદ પહોંચતાં થોડી વાર રોકાણ કરી અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગાડીઓનો કાફલો હંકારવા આદેશ કર્યા બાદ અમદાવાદ પહોંચ્યા હતા ત્યાં થોડીક વાર રોકાયા બાદ અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરી ફરીથી ડ્રાઇવરોને ગાંધીનગર તરફ જવાનું જણાવ્યું હતું કાફલો ગાંધીનગર પહોંચતા હિંમતનગર શહેરમાં અને ત્યાર બાદ ઉદેપુર -અમદાવાદ હાઇવે પર રાજેન્દ્રનગર ચોકડી પર ગાડીઓનો કાફલો પહોંચ્યો હતા ત્યાંથી મોડાસા શહેરમાં વહેલી સવારે ચાર વાગે મોટી સંખ્યામાં લક્ઝુરિયસ ગાડીઓમાં પોલીસ પ્રોટેક્શન સાથે પ્રવેશ કાર્ય બાદ અલગ અલગ ટીમને આપેલ બ્લેક બેગને ઓપન કરવાનો હેડ ઓફીસમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓએ આદેશ કરતા બેગમાં રહેલા બિલ્ડર્સ,તબીબો,મોબાઇલના વેપારી,જમીન દલાલો,અને રોકાણકારોના રહેઠાણ સ્થળો અને ધંધાના સ્થળોના ફોટોગ્રાફ અને લોકેશનના આધારે રેડ કરવાનું જણાવતા વહેલી સવારે એકી સાથે અલગ અલગ ટીમો તેમના ટાર્ગેટ કરેલ સ્થળો પર પહોંચી હતી
મોડાસા શહેરમાં વહેલી સવારે બિલ્ડર્સ અને તેના ભાગીદારો,
કર્મચારીઓ, મોબાઈલ વેપારી,તબીબો અને અન્ય ધંધાર્થીઓની ઓફીસો અને બંગ્લોઝમાં ત્રાટકતા વહેલી સવારે ઇનકમ ટેક્સની રેડથી રેડ સ્થળો અને આજુબાજુના સમગ્ર વિસ્તારોમાં હડકંપ મચ્યો હતો મોડાસા શહેરના કોલેજ રોડ પર આવેલ ફૈઝાન કૉમ્પ્લેક્સમાં સૌથી વધુ ઈનકમ ટેક્ષની ગાડીઓ પંહોચતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મંગળવારે સવારે શરૂ થયેલ સર્ચ ઓપરેશન બુધવારે મોડી રાત્રે મોટા ભાગે પૂર્ણ થયું હતું તો કેટલાક સ્થળો પર ગુરુવાર બપોર સુધી સર્ચ ઓપરશન પૂરું થતાં પોટલા ભરી દસ્તાવેજો સાથે ઈનકમ ટેક્સના અધિકારીઓ અને કર્મચારીઓ મોડાસા શહેરમાંથી વિદાય લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ રોકડ રકમ અને કિંમતી દાગીના સ્ટેટ બેંકમાં મૂકવામાં આવ્યા હતા મેઘરજમાં એક વેપારીને પડેલ રેડમાં કરોડો રૂપિયાના બેનામી હિસાબો મળી આવ્યા હોવાનું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી ગુરવારે સાંજે ઈનકમ ટેક્ષ વિભાગનું મોટા ભાગનું સર્ચ ઓપરેશન પુરૂ થતાં કેટલાક કરચોરોએ હાશકારો અનુભવ્યો હતો
ઈનકમ ટેક્ષની રેડના પગલે મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં ત્રણ દિવસ સુધી અનેક પડીકાઓ વહેતા થયા હતા જેમાં કરોડો રૂપિયાના સોનાના બિસ્કિટ અને મોટી માત્રામાં અલગ અલગ સ્થળેથી રોકડ રકમ મળી આવી હોવાની અને વિદેશી ફંડિંગ અને હવાલાથી રૂપિયા વિદેશમાં મોકલી અપાયા હોવાની સાથે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું સતત ત્રણ દિવસ સુધી ઇનકમ ટેક્ષ વિભાગના અધિકારીઓએ પત્રકારો સાથે દૂરી બનાવી રાખી ગુપ્તતા પૂર્વક સર્ચ ઓપરશન હાથધરી મગનું નામ મરી ન પાડતા શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે