ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ –  રેલ્લાવાડા વિસ્તારમાં વહેલી સવારે ટ્રેકટરમાં લઈ જવાતા લાકડાઓ કાયદેસર કે ગેરકાયદેસર..? લાકડાની હેરાફેરી ને લઇ અનેક સવાલો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ –  રેલ્લાવાડા વિસ્તારમાં વહેલી સવારે ટ્રેકટરમાં લઈ જવાતા લાકડાઓ કાયદેસર કે ગેરકાયદેસર..? લાકડાની હેરાફેરી ને લઇ અનેક સવાલો

અરવલ્લીમાં લાકડાની હેરાફેરી થતી હોય તેવા દ્રશ્યો સામે આવતા અનેક સવાલો : વન વિભાગની કામગીરી સામે સવાલો

અરવલ્લી જિલ્લામાં વન સંપત્તિના સંરક્ષણને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. મેઘરજ તાલુકાના રેલ્લાવાડા વિસ્તારમાં વહેલી સવારે અને સાંજના સમયે ટ્રેક્ટરોમાં લાકડું લઈ જવાતું હોવાના દ્રશ્યો સામે આવતા ચર્ચા જાગી છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં નિયમિત રીતે લાકડાની હેરાફેરી થતી હોવાની ચર્ચા છે. જોકે આ લાકડું કાયદેસર રીતે કાપવામાં આવ્યું છે કે ગેરકાયદેસર રીતે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, છતાં આ મામલે વન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.ઉનાળાની ઋતુ દરમિયાન અરવલ્લીના ડુંગર વિસ્તારોમાં આગ લાગવાના બનાવો પણ વધ્યા છે, જેના કારણે હજારો વૃક્ષોને નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે. એક તરફ આગથી વનસંપત્તિ નષ્ટ થઈ રહી છે અને બીજી તરફ લાકડાની હેરાફેરીની ચર્ચાઓ વચ્ચે વન સંરક્ષણની કામગીરી અંગે લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે.વન વિકાસ અને વૃક્ષોના જતન માટે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટોના ઉપયોગ અંગે પણ લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે જો યોગ્ય જતન કરવામાં આવતું હોય તો વૃક્ષો સૂકાવાની સ્થિતિ ન સર્જાય.આ સમગ્ર મામલે વન વિભાગ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા મળવાની રાહ જોવામાં આવી રહી છે. સ્થાનિકોએ વન સંપત્તિના સંરક્ષણ માટે કડક દેખરેખ અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!