
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી તાલુકામાં ઉમેદવારીનો જોરદાર માહોલ, પૂર્વ IPS મનોજ નિનામા ભાજપમાંથી મેદાને – “ ત્રણ વખત હોય કે ત્રીસ વખત, પરિણામ તો પ્રજા નક્કી કરશે.” – મનોજ નિનામા

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શામળાજી તાલુકામાં જિલ્લા પંચાયતની 3 બેઠકો અને તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેના કારણે રાજકીય ચહલપહલ તેજ બની છે.
શામળાજીની ઓડ જિલ્લા પંચાયત બેઠક ખાસ ચર્ચામાં આવી છે, જ્યાં પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાએ ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેમના મેદાનમાં આવતાં જ આ બેઠક હાઇપ્રોફાઇલ બની ગઈ છે. બીજી તરફ, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નીલા મડિયાએ ખેરાળી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.આ ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન રાજ્ય સરકારના મંત્રી પી.સી. બરંડાની હાજરી પણ નોંધપાત્ર રહી હતી, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ સંકેતો આપે છે.
ઓડ બેઠક પર કોંગ્રેસે પણ મજબૂત ટક્કર આપવા માટે ત્રણ ટર્મ સુધી સરપંચ રહી ચૂકેલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે, જેને લઈને મુકાબલો રસપ્રદ બન્યો છે. આ સંદર્ભે મનોજ નિનામાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “ત્રણ વખત હોય કે ત્રીસ વખત, પરિણામ તો પ્રજા નક્કી કરશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે લોકશાહીનું આ પર્વ છે અને દરેક પક્ષને ઉમેદવાર મૂકવાની સંપૂર્ણ છૂટ છે.મનોજ નિનામાએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ જંગી બહુમતીથી જીત મેળવી શકશે. હાલની પરિસ્થિતિમાં શામળાજી તાલુકાની બેઠકો પર કડક ટક્કર જોવા મળશે અને આવનારા દિવસોમાં રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.





