ARAVALLIMODASA

મોડાસા – વ્હીકલ પાર્ટ્સના બોક્ષની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : SMC ની મોટી કાર્યવાહી, 1 આરોપી સાથે રૂ.1.14 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – વ્હીકલ પાર્ટ્સના બોક્ષની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : SMC ની મોટી કાર્યવાહી, 1 આરોપી સાથે રૂ.1.14 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી સામે એસએમસી (SMC) ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મેવાતી હોટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલ ટ્રક ઝડપાતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ ટ્રકમાં વ્હીકલ પાર્ટ્સના બોક્ષની આડમાં દારૂ છુપાવીને ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવતું હતું. એસએમસી ટીમે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને ટ્રકની તપાસ કરતાં મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો.પોલીસે ટ્રકમાંથી રૂ.55.47 લાખની કિંમતની કુલ 14,412 નંગ દારૂની બોટલો જપ્ત કરી હતી. ઉપરાંત ટ્રકમાં રહેલા રૂ.44.41 લાખના 527 વ્હીકલ પાર્ટ્સના બોક્ષ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.1.14 કરોડનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ઘટનાને લઈને અરવલ્લી પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે, કારણ કે સ્થાનિક પોલીસની નજર ચૂકવીને મોટી માત્રામાં દારૂ પરિવહન થતો હતો.હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે સમગ્ર ઘટના ને લઈ આ દારૂ કોને મંગાવ્યો હતો અને ક્યાં લઈ જવાતો હતો તેને લઈ પણ અનેક સવાલો ઊભા થયા છે ખાસ કરીને દારૂ ભરેલ ટ્રક ક્યાં વિસ્તારમાં થઈ પસાર થયો હતો અને કેમ અરવલ્લી પોલીસ ને ગંધ ન આવી અને ગાંધીનગરની SMC ટીમ ત્રાટકી..?

બીજી તરફ થોડા દિવસ પહેલા ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વીરપુર બોર્ડર પર જનતા રેડ કરી દારૂની હેરાફેરી કરતી બાઈકોની લાઈનનો પર્દાફાશ કર્યો હતો અને જાગૃત નાગરિકો એ વિડિઓ વાયરલ કર્યો હતો ત્યારે જિલ્લા ની પોલીસ પર અને સવાલો ઊભા થયા છે. ખાસ કરીને જિલ્લામાં કેટલીક વાર દારૂના કેસો થઈ રહ્યા છે તો ક્યાંક ખાનગી રીતે દારૂની હેરાફેરી થતી હોવાની વાતો વહેતી થઈ છે. પરંતુ આ બધી બાબતો વચ્ચે જિલ્લામાં કેટલાક વહીવટદારો સક્રિય થયા હોય તો પણ નવાઈ નહીં. જિલ્લાના પોલીસ વડા આ બાબતે જો તટસ્થતાથી તપાસ કરે તો કંઈક બહાર આવી શકે તેમ છે.જિલ્લાની LCB ટીમ રાત દિવસ એક કરી બાતમીને આધારે  દારૂ પણ ઝડપે છે તો ક્યાંક વહીવટદારો પણ સક્રિય થયા હોય તેવો ઘાટ છે જેને લઇ હવે જિલ્લામાં પોલીસ ની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યાં છે. બીજી તરફ દેશી દારૂનો 400 રૂપિયાનો કેસ થતો હોય તો મોટા મગરમચ્છો પણ ઝડપવા જોઈએ. પરંતુ હાલ જે પ્રકારે SMC એ કાર્યવાહી કરી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે જેને લઇ જિલ્લા પોલીસ નું નાક પણ કપાયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!