
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
ભુજ,તા. ૮ એપ્રિલ : હાલ સમગ્ર રાજ્યમાં હીટવેવ ચાલી રહ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ કચ્છમાં સવિશેષ ગરમી છે અને ભુજ તો સમગ્ર દેશમાં સૌથી ગરમ શહેર જાહેર થયું છે. રાજ્ય સરકારે પણ હીટવેવ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં બપોરે ૧૨ વાગ્યા બાદ જરૂરી કામ શિવાય લોકોને ઘરથી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. તાજેતરમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે તે જિલ્લાઓમાં હીટવેવને ધ્યાને લઈ શાળાઓના સમયમાં શિક્ષણાધિકારીઓ ફેરફાર કરી શકશે. તાજેતરમાં નાયબ શિક્ષણ નિયામક દ્વારા પણ રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળા સમય અંગે સ્થાનિક પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવા સૂચના અપાઈ છે જેને ધ્યાને લઈને રાજ્યના બનાસકાંઠા, ગીર સોમનાથ,સુરત, વલસાડ ,નર્મદા સહિત અનેક જિલ્લાઓમાં શાળાઓનો સમય સવારના ૭:૩૦ થી ૧૧:૩૦ સુધીનો કરી દેવાયો છે. કેટલાક જિલ્લાઓમાં તો પરીક્ષા પૂર્ણ થયા બાદ બાળકોને રજા આપી દેવા તથા જે ધોરણના બાળકોની પરીક્ષા ન હોય તેમને શાળામાં ન બોલાવવા સૂચના આપવામાં આવી છે. કચ્છ જિલ્લામાં હીટ વેવની સૌથી વધુ અસર છે અને અનેક જગ્યાઓએ પીવાના પાણીની પણ તંગી છે ત્યારે જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય હાલ સવારના ૭:૩૦ થી ૧૨:૩૦ સુધીનો છે તેના બદલે ૭:૩૦ થી ૧૧:૩૦ સુધીનો કરવા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહિર અને રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સમક્ષ રજૂઆત કરવામાં આવી. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજની રજૂઆતના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક પત્ર કર્યો છે જેમાં ગુજરાત એકશન પ્લાન -૨૦૨૫ મુજબ હિટવેવથી વધુ ગરમી અને પાણીની સમસ્યાને કારણે કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારના ૭:૧૦ થી ૧૧:૪૦ સુધીનો વિધાર્થીઓ અને શિક્ષકશ્રીઓ માટે રાખવા સૂચના અપાઈ છે.



