
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : આદિ કર્મયોગી અભિયાન રિસ્પોન્સીવ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં બેઠક
આદિ કર્મયોગી અભિયાન ગુજરાતના આદિજાતિ સમુદાયના ઉત્થાન માટે નવો પ્રારંભ વિઝન@2030 ,આદિજાતિ ગામોમાં સુશાસન અને સેવાનો સંકલ્પ…આદિજાતિ યુવાનો અને મહિલાઓ માટે નેતૃત્વની તક.આદિ કર્મયોગી અભિયાન થકી અરવલ્લીના 127 ગામોમાં આદિજાતિ વિકાસનો સંકલ્પ…આરોગ્યથી શિક્ષણ સુધી અરવલ્લીમાં આદિજાતિ સમુદાય માટે બહુવિધ વિભાગોનું સંકલન
અરવલ્લી જિલ્લામાં આદિજાતિ સમુદાયના કલ્યાણ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલાંરૂપે જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં ‘આદિ કર્મયોગી અભિયાન રિસ્પોન્સીવ પ્રોગ્રામ’ અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન થકી ગુજરાત સરકાશ્રીનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ સમુદાય સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવો, સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવો અને ગ્રામ્ય સ્તરે વિકાસની નવી દિશા આપવાનો છે.આદિ કર્મયોગી અભિયાનના ઉદ્દેશો અત્યંત વ્યાપક અને સમાવેશી છે. આ અભિયાનનો હેતુ આદિજાતિ સમુદાય સુધી લોક કલ્યાણની સેવાઓ એક જ જગ્યાએ પહોંચાડવી, ગ્રામ્ય સ્તરે ખૂટતી સુવિધાઓનો સર્વે કરીને તેનું નિરાકરણ લાવવું, અને આદિજાતિ યુવાનો, મહિલાઓ તથા સ્વ-સહાય જૂથોમાં નેતૃત્વની ભાવના જગાવવી છે. આ ઉપરાંત, આદિજાતિ નાગરિકોને તાલીમ આપીને પરિવર્તનકારી કાર્યોમાં સહયોગ કરવો અને વિઝન@2030 અંતર્ગત વર્ષ 2030 સુધીમાં તમામ વિભાગોની યોજનાઓનું કન્વર્ઝન દ્વારા ગ્રામ્ય સ્તરે લાભાર્થીઓને લાભ પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ અભિયાન અરવલ્લી જિલ્લાના ચાર તાલુકાઓમાં અમલમાં મૂકવામાં આવશે, જેમાં ભિલોડાના 82 ગામ, મેઘરજના 42 ગામ, માલપુરના 2 ગામ અને મોડાસાના 1 ગામનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં આદિજાતિ સમુદાયના વિકાસ માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જીવનધોરણમાં સુધારો થઈ શકે.આદિ કર્મયોગી અભિયાનમાં વિવિધ વિભાગોનું સંકલન કરવામાં આવશે, જેમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, પંચાયતી રાજ, આદિજાતિ બાબતો, ગ્રામીણ વિકાસ, જળ શક્તિ અને વન વિભાગનો સમાવેશ થાય છે. આ વિભાગોના સંકલિત પ્રયાસો દ્વારા ગ્રામ્ય સ્તરે વ્યાપક વિકાસની ખાતરી કરવામાં આવશે.આ અભિયાન અંતર્ગત ‘ગ્રાસરૂટ લીડરશીપ પ્રોગ્રામ’ની રચના કરવામાં આવી છે, જેમાં ‘આદિ કર્મયોગી’ તરીકે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તથા ‘આદિ સહાયકો’ તરીકે યુવા નેતાઓ, શિક્ષકો અને ડોક્ટરોનો સમાવેશ થશે. આ કેડર ગ્રામ્ય સ્તરે નેતૃત્વ વિકસાવવા અને સેવાઓના અમલીકરણને વધુ અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
જિલ્લા કલેક્ટર એ આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત આદિજાતિ સમુદાયના વિકાસ માટે અધિકારીઓને સક્રિય સહભાગિતા દર્શાવવા સૂચનો આપ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આદિજાતિ સમુદાય સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા, ગ્રામ્ય સ્તરે સેવાઓની ગુણવત્તા સુધારવા અને ખૂટતી સુવિધાઓનું નિરાકરણ લાવવું જરૂરી છે.કલેક્ટર એ અધિકારીઓને સમજણપૂર્વક કામ કરી, આદિજાતિ યુવાનો અને મહિલાઓમાં નેતૃત્વની ભાવના જગાવવા તેમજ વિઝન@2030ના લક્ષ્યોને હાંસલ કરવા સંકલ્પબદ્ધ થવા હાકલ કરી. આ અભિયાનને સફળ બનાવવા સંકલિત પ્રયાસો અને સમર્પણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આદિ કર્મયોગી અભિયાન ગ્રામ્ય સ્તરે સુશાસન, સેવા અને સમર્પણની ભાવના સાથે આદિજાતિ સમુદાયના ઉત્થાન માટે એક મજબૂત પાયો નાંખશે.આ બેઠકમાં તમામ વિભાગના અધિકારી ઓ તેમજ કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા.







