
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – શ્રી જ્યોતિ હાઈસ્કૂલ સીસોદર અદાપુરમાં “પન્નાલાલ પટેલ : ગ્રામજીવનના સાહિત્યકાર” વિષય પર રાજકક્ષાનો સેમિનાર યોજાયો.
તા. ૨૭/૦૩/૨૦૨૬ને શુક્રવારના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી જ્યોતિ હાઈસ્કૂલ સીસોદરા અદાપુરના સંયુક્ત ઉપક્રમે “પન્નાલાલ પટેલ : ગ્રામજીવનના સાહિત્યકાર” વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાનો સેમિનાર યોજવામાં આવ્યો.
આ સેમિનારનો આરંભ દીપપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો. ત્યારબાદ શાળાના આચાર્ય રાકેશભાઈ લબાનાએ વક્તાઓ, અતિથિઓ, સંચાલક મંડળના પ્રમુખ, મંત્રી તેમજ અન્ય શાળામાંથી પધારેલ શિક્ષકઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સાહિત્યપ્રિય સૌને વાક્પુષ્પોથી આવકાર આપ્યો ત્યારબાદ સેમિનારના સંયોજક ડૉ. પરેશ ચૌધરીએ સેમિનારની ભૂમિકા રજૂ કરી.આ સેમિનારમાં અધ્યક્ષ પદે શ્રી પ્રકાશ કેળવણી મંડળના પ્રમુખ કિરીટભાઇ ડામોર , મુખ્ય મહેમાન કચરાભાઈ પટેલ મંત્રીશ પ્રકાશ કેળવણી મંડળ હતા.
આજના સેમિનારના બીજરૂપ વક્તા તરીકે ઉપસ્થિત રહેલ સુપ્રસિદ્ધ અને લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર પ્રોફે.ડૉ. મણિલાલ હ. પટેલ સરળ અને સહજ શૈલીમાં વિષયને અનુરૂપ એવું અત્યન્ત રસપ્રદ, વિદ્વત્તાપૂર્ણ અને ઉપયોગી વક્તવ્ય આપ્યું. તેઓએ પન્નાલાલ પટેલના સાહિત્ય અને જીવનની રસપ્રદ વાતો રજૂ કરી સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે પન્નાલાલ પટેલને શબ્દો દ્વારા જીવંત કરી આપ્યા હતા. આજે તેઓની લગભગ ૭૭ વર્ષની વય હોવા છતા એકદમ ભર્યાભર્યા યુવાનની જેમ વક્તવ્ય આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા
ત્યારબાદ પ્રથમ સેશનમાં કુલ બે વક્તાઓ (૧) કલ્પેશ પટેલ (જાણીતા સાહિત્યકાર) “પન્નાલાલ પટેલનું વાર્તા વિશ્વ” (૨) ડૉ. સતીષ પટેલ ( આર્ટ્સ કૉલેજ, પ્રાંતિજ)એ ઉપસ્થિત રહીને “પન્નાલાલનું જીવન -ઘડતર” આ વિષય પર પોતાના વિદ્વત્તાપૂર્ણ વિચારો પ્રગટ કર્યા. ભોજન અવકાશ પછીના સેશનમાં ભરતભાઈ પટેલ આચાર્યશ્રી હરિઓમ વિદ્યાલય દ્વારા માનવીની ભવાઈ નવલકથાનું નાયક પાત્ર ‘ કાળું’ નું એક પાત્રિય અભિનય ભજવી નવલકથા ચિત્રાત્મક બનાવી દીધી હતી. ત્યારબાદ વકતાઓ (૧) ડૉ. કિશન પટેલ (એન.એસ. પટેલ આર્ટસ કોલેજ ) એ “પન્નાલાલ પટેલની વાર્તાઓમાં એમનો સમાજ”(૨) ડૉ. નિકુંજ સુંદરસાથ (મદનિશ કેળવણી નિરીક્ષક, અરવલ્લી) “માનવીની ભવાઈ” નવલકથા ઉપર પોતાની વાત રજૂ કરી હતી.
આ બંને વક્તાઓએ પોતપોતાની આગવી શૈલીમાં વિષયને અનુરૂપ અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું.આ સેમિનારમાં લગભગ ૩૦૦ જેટલા પ્રતિભાગીઓએ જોડાઈને લાભ લીધો હતો. તો ખાસ પન્નાલાલ પટેલના કુંટુંબીજનો ડાહ્યાભાઈ પટેલ, કુબેરભાઈ પટેલ તેમજ તેમના સ્નેહીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમને પન્નાલાલ પટેલ સાથેના સ્મરણો તાજા કર્યા હતા. અનંતમાં સૌનો આભાર માની સેમિનાર પૂર્ણ જાહેર કર્યો હતો.





