
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – ટીંટોઇ કેનાલ પાસે IPL સટ્ટા પર એસ.ઓ.જી.નો દરોડો, એક ઇસમ ઝડપાયો – IPL માં સટ્ટાખોરો સક્રિય બન્યા
અરવલ્લી જિલ્લામાં પ્રોહીબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત મોડાસા તાલુકાના ટીંટોઇ કેનાલ પાસે આવેલી “સુહાના પાન પાર્લર” નામની દુકાનમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક ઇસમને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે

મળતી માહિતી અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પી.આઈ. પી.બી. ચૌધરીના નેતૃત્વમાં પોલીસ ટીમે દરોડો પાડતા એક ઇસમ દુકાનમાં બેસી નોટબુકમાં આંકડા લખતો મળી આવ્યો હતો.પકડાયેલા ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઇદ્રીશભાઇ યુસુફભાઇ શેખ (ઉંમર 45, રહે. ટીંટોઇ કેનાલ પાસે, મોડાસા) હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં તેણે IPL મેચ દરમિયાન ગ્રાહકો પાસેથી પૈસા લઈને ખેલાડીઓના રન આધારે સટ્ટો રમાડતો અને તેમાં કમિશન લેતો હોવાનો કબૂલ કર્યો હતો. પોલીસે તેના પાસેથી રોકડ રૂપિયા 4,360, ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂ. 8,000 તેમજ નોટબુક અને પેન મળી કુલ રૂપિયા 12,360નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા જિલ્લામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે.




