
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી – ખેડૂતોની માંગણી સંતોષાઈ : મેશ્વો નદીમાં છોડાયું પાણી, ભાજપ અગ્રણીઓ દ્વારા કરાયા જળ વધામણા.
શામળાજી અને આસપાસના નદી કાંઠા વિસ્તારના ખેડૂતોની લાંબા સમયની માગણી અને સિંચાઈની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકાર દ્વારા મેશ્વો જળાશયમાંથી મેશ્વો નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યને પગલે આજે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા હર્ષભેર નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા

ઉનાળાની આ સીઝનમાં નદી કાંઠાના વિસ્તારોમાં ખેતી અને પશુપાલન માટે પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી હતી. આ બાબતે શામળાજી તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ સ્થાનિક ખેડૂતો દ્વારા વ્યાપક રજૂઆતો કરવામાં આવી હતી. આ લોકહિતની માગણીને વાચા આપતા મંત્રી પી. સી. બરંડા તેમજ લોકોની વિવિધ માંગણીઓ ધ્યાને રાખી તાકીદે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં સચોટ રજૂઆત કરી હતી. જેના ફળસ્વરૂપે ગત તારીખ ૧૯/૦૫/૨૦૨૬ના રોજ મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવાનો મંજૂરી આદેશ કરાયો હતો અને નદીમાં પાણી વહેવડાવવામાં આવ્યું હતું.
નદીમાં નવા પાણીના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આજે તારીખ ૨૦/૦૫/૨૦૨૬ના રોજ મેશ્વો નદીના તટે એકત્રિત થઈને પવિત્ર જળના વધામણાં (પૂજન) કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શામળાજી તાલુકા ભાજપ પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા, ભિલોડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ નિનામા, તાલુકા પંચાયત સદસ્ય ગિરીશભાઈ પટેલ, સુનિલભાઈ ગામેતી તથા નરેશભાઈ તરાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ તાલુકા મહામંત્રી ભવાનભાઈ તરાર, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ બીપીનભાઇ પટેલ, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશોરભાઈ પંચાલ, શામળાજીના સરપંચ લાલજીભાઈ કટારા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક ખેડૂતો હાજર રહી ઉત્સાહ વધાર્યો હતો.નદીમાં પાણી આવવાથી આસપાસના વિસ્તારોના કૂવા અને બોરના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે, જે આગામી સમયમાં ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ બદલ સમગ્ર પંથકના ખેડૂતોએ મંત્રી પી. સી. બરંડા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો





