
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ધનસુરા – બહેનને હેરાન કરવાના મુદ્દે ઠપકો આપતા યુવક પર ચપ્પુથી હુમલો, હિંમતનગરમાં સારવાર હેઠળ

ધનસુરા તાલુકાના નાની બોરવાઈ ગામમાં બહેનને હેરાન કરવાના મુદ્દે ઠપકો આપતા એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી મનીષકુમાર વિઠ્ઠલસિંહ પરમાર (ઉ.વ. 21), રહે. નાની બોરવાઈના જણાવ્યા અનુસાર, તેમની કાકાની દીકરી સંગીતાબેનને ગામના અતુલભાઈ ભુપતભાઈ પરમાર અવારનવાર ફોન કરી હેરાન કરતા હોવાથી તેમણે 11 જૂનના રોજ વડાગામ નજીક તેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ સાંજે પોતાના ગામના ચોકમાં પહોંચતા અતુલભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.ફરિયાદ મુજબ, આરોપીએ ફરિયાદીને ગાળો આપી ગડદા-પાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ પોતાની પાસે રહેલા ચપ્પાથી ઝપાઝપી દરમિયાન ડાબી બાજુની છાતીના નીચેના ભાગે તેમજ ગળાની નીચેના ભાગે ઘા ઝીંકી દીધા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં પણ આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઈજાગ્રસ્ત મનીષકુમારે ઘરે પહોંચીને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ બાયડની વાત્રક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગરની પ્લુટો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.પોલીસે ફરિયાદના આધારે આરોપી અતુલભાઈ ભુપતભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





