
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં વહીવટી તંત્ર અને એસ.ટી. નિગમની ઘોર બેદરકારી સામે આવી છે. વઘઇ તાલુકા પંચાયતનાં પ્રમુખનાં વતન અને જિલ્લા પંચાયત પ્રમુખનાં મત વિસ્તારને જોડતી મહત્વની ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસ સેવા છેલ્લા ઘણા સમયથી અચાનક બંધ કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે.વર્ષોથી નિયમિતપણે ચાલતી આ બસ સેવા બંધ થવાને કારણે પછાત અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ, ખેડૂતો, નોકરીયાતો તેમજ સામાન્ય મુસાફરોની હાલત કફોડી બની ગઈ છે.જનતાના પ્રતિનિધિઓ જે વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા છે, તે જ વિસ્તારમાં પરિવહન જેવી પ્રાથમિક સુવિધા ખોરવાઈ જતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ, વઘઇથી ભેંડમાળ તરફ જતી બસ સેવા અગાઉ રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. જોકે, હાલમાં તંત્ર દ્વારા આ રસ્તાનું નવીનીકરણ કરી તેને સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવ્યો છે. રસ્તો વાહન વ્યવહાર માટે લાયક હોવા છતાં, એસ.ટી. વિભાગ દ્વારા હજુ સુધી બસ સેવા પુનઃ શરૂ કરવા માટે કોઈ તસ્દી લેવામાં આવી નથી. આ નિષ્ક્રિયતાને કારણે ભેંડમાળ વિસ્તારના અનેક ગામડાઓ વઘઇ તાલુકા મથકથી વિખૂટા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને હાઈસ્કૂલ અને કોલેજમાં જતા વિદ્યાર્થીઓને સમયસર પહોંચવા માટે કોઈ જાહેર વાહન ઉપલબ્ધ ન હોવાથી તેઓનું શિક્ષણ જોખમાઈ રહ્યું છે.ખેડૂતોને પોતાની ખેતપેદાશો બજાર સુધી પહોંચાડવા, બેંકિંગ વ્યવહાર કે સરકારી કચેરીઓના કામકાજ માટે વઘઇ આવવા-જવા ભારે હાલાકી વેઠવી પડી રહી છે.આ પરિસ્થિતિનો લાભ લઈને ખાનગી જીપ ચાલકો મુસાફરો પાસેથી મનસ્વી ભાડાં વસૂલી રહ્યા છે. ગરીબ આદિવાસી જનતા અને મધ્યમ વર્ગના લોકો આ આર્થિક બોજ હેઠળ દબાઈ રહ્યા છે. આ ગંભીર મુદ્દે સ્થાનિક નેતૃત્વના મૌન સામે પણ લોકોમાં રોષ છે. આ બાબતે માજી ધારાસભ્ય મંગળ ગાંવિત દ્વારા એસ.ટી. વિભાગને કડક શબ્દોમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે જ્યારે રસ્તો સારો થઈ ગયો હોય ત્યારે બસ સેવા બંધ રાખવાનું કોઈ વાજબી કારણ નથી. જો આગામી પાંચ દિવસમાં એસ.ટી. સેવા ફરી શરૂ કરવામાં નહીં આવે, તો સ્થાનિકોને સાથે રાખીને ‘રસ્તા રોકો આંદોલન’ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહે છે કે એસ.ટી. તંત્ર જનહિતમાં ત્વરિત નિર્ણય લે છે કે પછી લોકોની મુશ્કેલીઓ યથાવત રહે છે..





