નસવાડી તાલુકામાં CRC તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ ડીંડોરને શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરાયા
મૂકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકામાં સી.આર.સી.કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા શ્રી અર્જુનભાઈ ડીંડોરની કર્તવ્યનિષ્ટ શૈક્ષણિક કામગીરી, આદિવાસી વિસ્તારમાં વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતિ, આદિવાસી વિસ્તારમાં વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધા વિશે જાગૃતિ, બાળકોના વાલીઓને શિક્ષણ વિભાગની વર્તમાન સમયમાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે જાણકારી, શૈક્ષણિક સંશોધનો, શિક્ષણના નવતર પ્રયોગો, રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાના બાળકોને ઉપયોગી લેખનકાર્ય, ગુણોત્સવમા શાળાનો ગ્રેડ ઊંચો લાવવો જેવી અનેક શિક્ષણની વિવિધ પ્રવૃતિઓને ધ્યાને લેતા ચિત્રકૂટ એવોર્ડ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદગી કરવામાં આવી. ગુજરાત રાજ્યના ૩૪ શિક્ષકો પૈકી છોટાઉદેપુરના નસવાડી તાલુકાના સી આર સી કો. ઓર્ડીનેટર વઘાચને તારીખ ૧૫/૦૧/૨૦૨૫ ના રોજ તલગાજરડા ભાવનગર ખાતે ચિત્રકૂટ આશ્રમ દ્વારા વર્ષ ૨૦૨૪ ના શ્રેષ્ઠ શિક્ષક સન્માન અંતર્ગત ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુના હસ્તે અને સંત સીતારામ બાપુ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા પ્રાથમિક શિક્ષક સંઘના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું જે નસવાડી તાલુકા શિક્ષકો માટે અને બી.આર.સી. ભવન નસવાડી માટે આનંદ અને ગૌરવની બાબત છે. તેઓને નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી પરસોત્તમભાઈ આર.,રાઠવા મહામંત્રી શ્રી મુકેશકુમાર વી.ભીલ, છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી શ્રી દિનેશભાઈ કે.રાઠવા, નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જશવંતભાઈ તડવી અને બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી અમીરભાઇ દિવાન તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.