AHAVADANGGUJARAT

ડાંગ: સાપુતારા ઘાટમાર્ગમાં સૈન્યનું તોપ લાદેલુ વાહન પલ્ટી મારી ગયુ:- 9 જવાનો ઈજાગ્રસ્ત, 3ની હાલત ગંભીર..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ડુંગરાળ અને જોખમી ગણાતા સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટ માર્ગમાં આજે 28 જાન્યુઆરીના રોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.ભારતીય સૈન્યનો કાફલો જ્યારે મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ પ્રયાણ કરી રહ્યો હતો, ત્યારે સાપુતારાના કપરા વળાંકો ઉતરતી વખતે એક સૈન્ય ગાડીના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.આ ગાડીમાં સંરક્ષણ ક્ષેત્રની મહત્વની ગણાતી તોપ લાદેલી હતી, જે વળાંક પર સંતુલન બગડવાને કારણે રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીમાં સવાર કુલ 13 જવાનો પૈકી 9 જવાનોને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.અકસ્માતની જાણ થતા જ સ્થાનિક રાહદારીઓ અને ડાંગ જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યો હતો.ઘાયલ થયેલા નવ જવાનોને તાબડતોબ 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના શામગહાન સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાગ્રસ્તો પૈકી ત્રણ જવાનોની સ્થિતિ અત્યંત ગંભીર જણાઈ આવતા, તબીબોની સલાહ બાદ તમામ નવ જવાનોને વધુ સચોટ અને સઘન સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ જવાનોની સારવારમાં કાર્યરત છે.બીજી તરફ, આ અકસ્માતને કારણે સાપુતારા-શામગહાન ઘાટ માર્ગ પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પ્રવાસીઓ અને માલવાહક વાહનોની લાંબી કતારો લાગી જતા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયાની ટીમ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ખાસ કરીને સૈન્યની ગાડીમાં સંવેદનશીલ સંરક્ષણ સાધન (તોપ) હોવાને કારણે ઘટનાસ્થળે સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને સૈન્યના અન્ય અધિકારીઓ દ્વારા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે..

Back to top button
error: Content is protected !!