AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

વર્લ્ડ હેરિટેજ વીક 2025: અમદાવાદમાં વૈશ્વિક પર્યટનને પ્રોત્સાહન આપવા હેરિટેજ બ્રાન્ડિંગની નવી પહેલ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: 2017માં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ વીક 2025ની શરૂઆત સાથે શહેરમાં તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ અવસર પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ અને વિવિધ ટૂરિઝમ એજન્સીઓ સાથે મળીને પર્યટનને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવા હેરિટેજ બ્રાન્ડિંગની નવી પહેલો હાથ ધરવામાં આવી છે.

આમ તો AMC દ્વારા વર્ષભરમાં હેરિટેજ વૉકનું આયોજન થતું રહે છે, પરંતુ આ વર્ષે 5500થી વધુ વૉક પૂર્ણ થવી શહેરના પરંપરાગત વારસાપ્રેમ અને પ્રવાસીઓની રસિકતાનો સાક્ષી ગણાય છે. કાલુપુરથી જામા મસ્જિદ સુધીનો પ્રસિદ્ધ હેરિટેજ વૉક રૂટ હવે વધુ સુંદર બનાવવા વૉકવે અપગ્રેડ તથા દુકાનોના ફસાડ રિસ્ટોરેશનનો પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે.

આવતા સમયમાં ગુજરાતમાં આવતા પર્યટકો માત્ર અન્ય જિલ્લાઓ જ નહીં પરંતુ અમદાવાદમાં પણ રોકાય તે માટે શહેરને ‘ટુરીઝમ ગેટવે’ તરીકે વિકસાવવાનું આયોજન AMC દ્વારા કરવામાં આવી રહ્યું છે. પર્યટકોએ શહેરના હેરિટેજનો અનુભવ સરળતાથી કરી શકે તે માટે સત્તાવાર વેબસાઇટ heritagewalkahmedabad.com પર તમામ વિગત ઉપલબ્ધ કરાઈ છે.

આ વર્ષે અમદાવાદ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ 2025માં પણ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટનો ખાસ સ્ટોલ મૂકાયો છે, જ્યાં નાગરિકો શહેરના હેરિટેજને વધુ અસરકારક રીતે કેવી રીતે જાળવી શકાય તે અંગે સૂચનો આપી શકે છે.

શહેરના કોટ વિસ્તારના હેરિટેજ ઘરોના રિપેરિંગ અને રિસ્ટોરેશન માટે AMCની હેરિટેજ કન્ઝર્વેશન કમિટી સક્રિય રીતે કાર્યરત રહી છે. જૂના શહેરના ઐતિહાસિક દરવાજા, પરંપરાગત ઘરો, પોળ સંસ્કૃતિ, ધાર્મિક સ્થળો અને પુરાતત્વિક વારસાને જાળવવા અનેક પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવી રહ્યા છે.


હેરિટેજ વીક 2025: નવી પહેલો અને વિશેષ કાર્યક્રમો

17 થી 23 નવેમ્બર દરમિયાન શહેરમાં આર્ટ વૉક, ફૂડ હેરિટેજ વૉક, ક્યુરેટેડ આર્કિટેક્ચરલ ટૂર્સ, સ્કેચિંગ સેશન, યુવા આધારિત ટ્રેઝર હન્ટ, હેરિટેજ આધારિત સ્કિટ્સ અને અન્ય અનેક સર્જનાત્મક કાર્યક્રમો યોજાયા છે.

‘Whispers of the Walls’ અને ‘Voices of Amdavad’ જેવા કાર્યક્રમો દ્વારા નાગરિકો તેમજ વિદેશી પ્રવાસીઓને શહેરની હેરિટેજ ઓળખને એક અનોખી દૃષ્ટિએ નિહાળવાનો અવસર મળ્યો છે.

હેરિટેજને બ્રાન્ડ કરવા માટે શહેરની મુખ્ય જગ્યાઓ, બસ સ્ટેન્ડ, એરપોર્ટ, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોએ માહિતી પ્રસાર માટે વિશેષ અભિયાન હાથ ધરાયું છે. લાંબા ગાળેઅ માટે સસ્ટેનેબલ ટુરિઝમ મોડલ તૈયાર કરવા AMC દ્વારા વિશેષ સેલ પણ રચવામાં આવ્યો છે.


અમદાવાદનો વારસો — વૈશ્વિક મંચ પર

દર વર્ષે 19 થી 25 નવેમ્બર દરમિયાન ઉજવાતું વર્લ્ડ હેરિટેજ વીક વિશ્વના વારસાના સંરક્ષણ અને જાગૃતિ માટે સમર્પિત છે. ગુજરાતના ધોળાવીરા, રાણકી વાવ, ચાંપાનેર અને અમદાવાદ જેવા સ્થળો યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવનાર મહત્ત્વના પુરાતત્વિક અને સાંસ્કૃતિક ખજાના છે.

‘પૂર્વનું વેનિસ’ અને ‘ઈસ્ટનું મેનચેસ્ટર’ તરીકે ઓળખાતું અમદાવાદ આજે પણ પોતાનું ઐતિહાસિક ભાવચિત્ર ધરાવી આધુનિકતાની સાથે આગળ વધી રહ્યું છે.


2025 સુધીમાં 5500થી વધુ હેરિટેજ વૉક પૂર્ણ

AMC દ્વારા અત્યાર સુધીમાં 5500થી વધુ હેરિટેજ વૉકનું આયોજન કરાયું છે, જેમાં મૉર્નિંગ અને નાઇટ વૉકના અલગ-અલગ પેકેજો ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ, સંશોધકો, પર્યટકો અને નાગરિકો માટે આ વૉક શહેરના પોળ, હસ્તકળા, ધાર્મિક સ્થળો, કલા અને જીવનશૈલી વિશે ઊંડાણપૂર્ણ જાણકારી આપે છે.

આ તમામ પહેલો સાથે અમદાવાદ ફરી એકવાર સાબિત કરી રહ્યું છે કે હેરિટેજ માત્ર ઇતિહાસ નહિ, પરંતુ શહેરની ઓળખ, ગૌરવ અને ભવિષ્યનો આધાર છે.

Back to top button
error: Content is protected !!