
ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ તા.૧૯ જૂલાઈના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.કેન્દ્રીય મંત્રીશ્રી તા.૧૯ જૂલાઈના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ખાતે પધારશે. મગફળી સંશોધન અંગેની ટેકનોલોજી ઈક્વિપમેન્ટ બ્લોક નિહાળી અહીં આઈ.સી.એ.આર. આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરશે.આ ઉપરાંત જિલ્લાની સખી મંડળ અને સ્વસહાય જૂથની વિવિધ આર્થિક ઉપાર્જન, મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિના ભાગરૂપે લખપતિ દીદી બહેનો સાથે પણ સંવાદ કરશે. હસ્તકલા સહિત વિવિધ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં સફળ થયેલી મહિલાઓનું કેન્દ્રીય મંત્રીશ્રી સ્ટેજ પર સન્માન પણ કરશે.આ કાર્યક્રમમાં આઈ.સી.એ.આર. નવી દિલ્હી, સંશોધન કેન્દ્રના અધિકારીઓ, સાંસદ સહિત પદાધિકારીઓ, ગુજરાત લાઈલી હુડ પ્રમોશનના ગાંધીનગરના એમડી સહિતના અધિકારીઓ, રાજ્ય ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તેમજ જૂનાગઢ કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.આવતીકાલના કાર્યક્રમના આયોજન સંદર્ભે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી હતી. જેમાં મગફળી સંશોધન કેન્દ્ર અને સંબંધિત કચેરી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





