નવસારી જિલ્લામાં શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
*જિલ્લાની અન્ય સંસ્થાઓમાં પણ શહીદ વંદના થઇ*
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તા. ૩૦મી જાન્યુઆરીના રોજ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે સમગ્ર દેશ અને રાજ્યની સાથે નવસારી જિલ્લામાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાની અન્ય સંસ્થાઓમાં પણ શહીદ વંદના કરવામાં આવી હતી.
કલેક્ટર કચેરીના પરિસરમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર શ્રી વાય. બી. ઝાલાની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ બે મિનિટ મૌન પાળીને સ્વદેશ માટે આહૂતિ આપનાર શહીદ વીરોનું ઋણ અદા કરવામાં આવ્યું હતું. તદુપરાંત નવસારી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક અને વાણિજ્ય સંસ્થાઓ ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.