અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીઃ સાઠંબા પીપલ્સ બેંકના ઈન્ચાર્જ મેનેજરનું 3 કરોડથી ઉપરની રકમનું ભોપાળું બહાર આવ્યું
*બેંક સત્તાવાળાઓ દ્વારા ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળું મારવા જેવી સ્થિતિ*
*ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરાઈઃખાસ ઓડિટરો ભોપાળાની ચોક્કસ રકમનો આંકડો નક્કી કરશે*
*ઈન્ચાર્જ મેનેજર દ્વારા આચરાયેલા કૌભાંડની મોડ્સ ઓપરેન્ડી ચાલું હોદ્દેદારોની સમજની બહાર હોવાની લોકચર્ચા*
*ઈ. મેનેજર પિંકલ પટેલે શાતિર દિમાગથી કૌભાંડ આચર્યું હોવાની લોકચર્ચા*
*ન્યાયિક પ્રક્રિયા સિવાય માનીતા અને કહ્યાગરા કર્મચારીઓની ભરતી આના કારણભુત હોવાનો જાણકારોનો મત*
તાજેતરના સમયમાં અરવલ્લી સાથે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક પછી એક નાણાંકીય કૌભાંડો બહાર આવતા જાય છે જેના કારણે નાના રોકાણકારોને પસ્તાવવાનો વારો આવ્યો છે.અરવલ્લી જીલ્લાની નામાંકિત સહકારી વેપારી બેંક સાઠંબા પીપલ્સ કો ઓ સહકારી બેંકમાં ઇન્ચાર્જ મેનેજર દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાનના સમયમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી 3 કરોડ રૂપિયા ઉપરાંતનું ફૂલેકું ફેરવાયાનું શનિવારે સવારે સાઠંબાના બજારોમાં વાત ફેલાતાં ચકચાર મચી જવા પામી હતી.સાઠંબા પીપલ્સ બેંકના ચુંટાયેલા હોદ્દેદારોને જ્યારે ઇન્ચાર્જ મેનેજરે નાણાંકીય ગફલું આચર્યાની જાણ થતાં હોદ્દેદારો હાંફળા ફાંફળા થઈ ગયા હતા.બેંકના સભાસદોમાં અને ખાતેદારોમાં આ વાત વાયુવેગે ફેલાઈ જતાં સભાસદોનાં અને ખાતેદારોનાં ટોળેટોળાં બેંકમાં ઉમટી પડ્યા હતા.
સાઠંબા પીપલ્સ સહકારી બેંકના ઇન્ચાર્જ મેનેજર પિંકલ ડી પટેલ દ્વારા બેંકમાં મેનેજર પાસે રહેતા ખાસ આરબીઆઈ કોડ અને પાસવર્ડનો ઉપયોગ કરી પોતાના સગા વ્હાલાઓના ખાતામાં કરોડો રૂપિયાનું ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી બેન્કની અનામત સિલક સાથે ચેડાં કરી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે.જાણવા મળ્યા પ્રમાણે આ ઇન્ચાર્જ મેનેજર પીંકલ પટેલ દ્વારા ઇન્ટ્રાડે ઓનલાઇન સટ્ટો કર્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.બેંકના સત્તાધીશો સાથે થયેલી મૌખિક વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે કે અંદાજિત ત્રણ કરોડ રૂપિયા ઉપરાંતની આ ઇન્ચાર્જ મેનેજરે ઉચાપત કર્યાનું જાણવા મળ્યું છે. હજી ચોક્કસ આંકડો ઓડિટ રિપોર્ટ દરમિયાન બહાર આવશે.હાલ બેંક સત્તાધીશો દ્વારા આ ઇન્ચાર્જ મેનેજર પીંકલ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
*ત્રણ કરોડ રૂપિયા ઉપરાંતના કૌભાંડની જાણ થતાં તાત્કાલિક ખાસ ઓડીટરોને બોલાવાયા*
સાઠંબા પીપલ્સ સહકારી બેંકના હોદ્દેદારોને જ્યારે ત્રણ કરોડ રૂપિયા ઉપરાંતની રકમનું કૌભાંડ ઇન્ચાર્જ મેનેજર દ્વારા આચારવામાં આવ્યું હોવાની જાણ થતો તાત્કાલિક ખાસ ઓડીટરોને બોલાવી હિસાબોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી સાતમબા પીપલ્સ બેંકના સત્તાવાળાઓને પ્રાથમિક દૃષ્ટિએ આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેની મોડ્સ ઓપરેન્ડી સમજ ના આવી,
*છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ મેનેજર પિંકલ પટેલ અજુગતું વર્તન કરતા હતા*
સાઠંબા પીપલ્સ બેંકના ખાતેદારોમાં થતી ચર્ચાઓ મુજબ ઇન્ચાર્જ મેનેજર પીંકલ પટેલનું છેલ્લા ઘણા સમયથી વર્તન રહસ્યમય હતું પિંકલ પટેલ આટલો શાતિર ખેલાડી હશે અને કૌભાંડ આચરવાની તેની મોડ્સ ઓપરેન્ડી આટલી બધી ટેકનોલોજી યુક્ત હશે કે બેંકના ચેરમેન, એમડી અને ડિરેક્ટરોને બાર મહિનાથી ચાલતા ઈ. મેનેજરના આ મોટા કૌભાંડની ગંધ શુદ્ધાં પણ ના આવી…
આજે પણ બેંકનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કૌભાંડી મેનેજરની કૌભાંડ કરવાની મોડ્સ ઓપરેન્ડી સમજી શક્યા નથી.
*સાઠંબા પીપલ્સ બેંકના ખાતેદારોમાં ચર્ચાતો પ્રશ્ન બેંકના હોદ્દેદારો આ કૌભાંડ કેમ ના પકડી શક્યા*
હાલ સાઠંબા નગરમાં ખાતેદારોમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે આવા કૌભાંડી માનસ ધરાવતા મેનેજર અને છેલ્લા બાર મહિનાથી કૌભાંડ આચર્યાનું જ્યારે ખુલ્યું છે ત્યારે બેંકના ચેરમેન એમડી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આ કૌભાંડની જાણ કેમ ના થઈ..
*છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી શરુ થયેલું કૌભાંડ ઓડિટ રીપોર્ટમાં કેમ ના આવ્યું*
બેંકના પ્રાથમિક સ્ટેટમેન્ટ રિપોર્ટ પ્રમાણે આ ઇન્ચાર્જ મેનેજર એ નાણાકીય કૌભાંડ કરવાની શરૂઆત એક વર્ષ ઉપરાંતના સમયથી કરી હતી ત્યારે સાઠંબા પીપલ્સ બેંકના સભાસદો ખાતેદારો અને થાપણદારોમાં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે બેંક દ્વારા દર વર્ષે વાર્ષિક ઓડિટ કરાવવામાં આવે છે અને દર ત્રણ મહિને બેંકનું ઇન્ટર્નલ ઓડિટ સી.એ.દ્વારા કરાવવામાં આવે છે તો આવડા મોટા નાણાંકીય ઉચાપતની નોંધ સી.એ.કે ઓડિટરો દ્વારા કેમ કરવામાં નહીં આવી હોય….