પંચમહાલ જિલ્લામાં જુના વાહનોની ખરીદ-વેચાણ કરનાર તથા ભંગાર ખરીદ વેચાણ કરનાર વેપારી/વ્યક્તિઓએ રજીસ્ટર નિભાવવાના રહેશે

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં જુની સાયકલ, સ્કુટર(ટુ વ્હીલર), થ્રી વ્હીલર, ફોર વ્હીલર તથા ભંગારના વાહનોની ખરીદ-વેચાણ કરનાર, તેમજ ભંગાર લે-વેચનો ધંધો કરનાર વેપારીઓ તથા ભંગારના ગોડાઉન રાખનાર વ્યક્તિઓને પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.જે.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજીસ્ટર નિભાવવા હુકમ કરેલ છે.
આ જાહેરનામા મુજબ પંચમહાલ જિલ્લાના જુની કાર,સાયકલ તેમજ સ્કુટર, જુના ફોરવ્હીલર, થ્રી વ્હીલર ગાડીઓ/વાહનો ખરીદનાર – વેચનાર વ્યક્તિઓએ વેચાણ/ખરીદ કરેલ વાહનોની વિગત દર્શાવતુ રજીસ્ટર નિભાવવાનું રહેશે. આ રજીસ્ટરમાં અનુક્રમ નંબર, વેચનારનું નામ-સરનામુ અને વેચવાનું કારણ, ખરીદનારનું પુરેપુરૂ નામ- સરનામુ અને મોબાઇલ નંબર, ખરીદનારનું આઈ.ડી.પ્રુફ તથા રેસીડન્ટ પ્રુફની વિગત, જુનુ વાહન ખરીદવાનું/ખરીદયા અંગેનું કારણ અને તારીખ, એન્જીન-ચેસીસ નંબર,મોડલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર વગેરેની વિગત(તે અંગેની ઝેરોક્ષ રાખવી) દર્શાવવાની રહેશે.
તેમજ ભંગારની ખરીદ તથા વેચાણ કરનાર વ્યક્તિઓએ તે મુજબની વિગતો દર્શાવતુ રજીસ્ટર નિભાવવાનું રહેશે. જેમાં અ.નં., ભંગાર લાવનારના આઈ.ડી.પ્રુફની વિગત અને સંપર્ક નંબર, ભંગાર કોની પાસેથી લાવ્યા તેનુ નામ-સરનામુ અને સંપર્ક નંબર, ભંગાર કઈ તારીખે લાવ્યા, કેવા પ્રકારનું ભંગાર લાવ્યા તેની વિગત, ભંગાર કઈ તારીખે વેચવામાં આવ્યુ અને કોને વેચવામાં આવ્યુ તેનુ નામ-સરનામુ તથા સંપર્ક નંબર, ભંગારનો ધંધો કરતા/ફેરી કરતા ઈસમોના નામ અને સરનામુ, ભંગારનો ધંધો કરનારે પોલીસ ક્લીયરન્સ સર્ટીફિકેટ બાયોડેટા સ્થાનિક પોલીસમાં જમા કરાવવા અંગેની વિગતો રજીસ્ટરમાં દર્શાવવાની રહેશે.
જાહેરનામામાં જુનુ ફોરવ્હીલર, થ્રી, ટુ વ્હીલર તેમજ ભંગારના વાહનો ખરીદનારને અવશ્ય બીલ આપવું અને તેની સ્થળપ્રત કબજામાં રાખવા જણાવાયું છે. વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેકશનકાર્ડ, રેશનકાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, કોઈપણ ખાતાના રાજયપત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવા વાહનોના વેચાણકર્તાએ મેળવવા તથા બીલમાં વાહન ખરીદનારનું પુરૂ નામ/સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર લખવા તેમજ વેચાણ બીલમાં જુના વાહનનો એન્જીન નંબર, મોડલ નંબર, રજીસ્ટેશન નંબર/ચેસીસ નંબર લખવા જાહેરનામામાં જણાવાયું છે.
આ હુકમ તા.૧૨/૦૫/૨૦૨૫ થી આગામી બે માસ સુધી અમલમાં રહેશે તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે.




