કરુણા અભિયાન-૨૬ અંતર્ગત અમદાવાદમાં એક દિવસીય કાર્યશાળા યોજાઈ, ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓના રેસ્કયુ અને સારવાર અંગે માર્ગદર્શન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદમાં કરુણા અભિયાન-૨૬ અંતર્ગત પાંચમી જાન્યુઆરીના રોજ નિષ્કલંકી નારાયણ સત્સંગ હોલ ખાતે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદ, સ્વયંસેવી સંસ્થાઓ તથા પશુપાલન વિભાગના તજજ્ઞ ડૉક્ટરોના સંયુક્ત પ્રયાસથી યોજાઈ હતી.
કાર્યશાળાનું આયોજન ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ડૉ. જયપાલ સિંહ અને મુખ્ય વન સંરક્ષક, અમદાવાદ ડૉ. કે. રમેશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરી સહિત વિવિધ કારણોસર ઘાયલ થતા પક્ષીઓના સંરક્ષણ અને જીવનરક્ષાના હેતુથી આ કાર્યશાળા વિશેષ મહત્વની રહી હતી.
આ કાર્યશાળામાં ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓને કેવી રીતે સુરક્ષિત રીતે રેસ્કયુ કરવું, તેમને પ્રાથમિક સારવાર આપી યોગ્ય સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તવ્ય અને વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા સ્વયંસેવકોને રેસ્કયુ પ્રક્રિયાની વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી. સાથે જ રેસ્કયુ સમયે સાથે રાખવાની જરૂરી પ્રાથમિક સામગ્રીની યાદી અંગે પણ સ્વયંસેવકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ડૉ. શશીકાંત જાદવ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર દરમિયાન શું કરવું અને શું ન કરવું તે બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દોરીમાં ફસાયેલા પક્ષીઓને કેવી રીતે સાવધાનીપૂર્વક મુક્ત કરવાના, ઈજાગ્રસ્ત પક્ષીઓને વધુ નુકસાન ન થાય તે માટે કઈ રીતે હેન્ડલ કરવાના અને રેસ્કયુ દરમિયાન પોતાની સલામતી કેવી રીતે જાળવવાની તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
કાર્યશાળામાં ખાસ કરીને જોખમવાળી જગ્યાઓ જેવી કે વીજળીના તાર, ઊંચાઈવાળા સ્થળો અથવા ટ્રાફિકવાળા વિસ્તારોમાં જાતે રેસ્કયુ કરવાનો પ્રયાસ ન કરવા અને આવી પરિસ્થિતિમાં હેલ્પલાઈન નંબર ૬૦૦૦૦૯૮૪૫ અથવા ૬૦૦૦૦૯૮૪૬ પર તાત્કાલિક સંપર્ક કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પશુપાલન વિભાગના ડૉ. વિપુલ કાવચીયા (વેટરિનરી ઓફિસર, લાંભા) દ્વારા બર્ડ ફ્લુ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે પક્ષીઓમાં બર્ડ ફ્લુના લક્ષણો, તેની રોકથામ અને માનવ સ્વાસ્થ્ય માટે જરૂરી સાવચેતીઓ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યશાળાના અંતે સ્વયંસેવકોને કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓના રક્ષણ માટે સજાગ અને સંવેદનશીલ બનવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓના જીવનની સુરક્ષા માટે જનજાગૃતિ વધારવામાં અને રેસ્કયુ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હોવાનું આયોજનકારોએ જણાવ્યું હતું.







