Rajkot: રાજકોટ એઇમ્સમાં વાઇરલ રિસર્ચ એન્ડ ડાઇગ્નોસ્ટીક લેબનું ઉદધાટન કરાયુઃ૨૮ પ્રકારની તપાસ થશે

તા.૧૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
એઇમ્સમાં તબીબો અને મેડિકલ વિધાર્થીઓ સાથે સંવાદ સાધતા કેન્દ્રિય આરોગ્ય મંત્રી- રાજકોટ એઇમ્સ ભારતની શ્રેષ્ઠ સારવાર આપતી એઇમ્સ બનશે
કોરોના જેવી વિપરીત પરિસ્થિતમાં રાજકોટ એઈમ્સનું નિર્માણ કાર્ય પ્રગતિશીલ રહ્યું
સામાન્ય, ગરીબ પરિવારના દર્દીઓને ઉત્કૃષ્ઠ સારવાર આપતી એઇમ્સનું રિજિયોનલ વિસ્તરણ કરાયું
Rajkot: રાજકોટની એઇમ્સ ખાતે કેન્દ્રિય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ વાઇરલ રિસર્ચ એન્ડ ડાઇગ્નોસ્ટીક લેબોરેટરી(વીઆરડીએલ)નું ઉદધાટન કર્યુ હતું. આ લેબમાં ૨૮ પ્રકારની તપાસ થશે. જે દેશની પુના પછીની બીજી અતિ આધુનિક લેબ બની રહેશે. જેનો ફાયદો આ પ્રદેશના લોકોને થશે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી નડ્ડાએ એઇમ્સમાં તબીબો અને મેડિકલ વિધાર્થીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આરોગ્ય સેવાના વિસ્તાર, સુવિધા અને સંશોધન માટે કટિબધ્ધ છે. આરોગ્ય અને તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સારવાર-સુવિધા પુરી પાડતી એઇમ્સ, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેના ઉદાહરણો છે.
આરોગ્ય મંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનાં કાર્યકાળમાં પ્રાદેશિક સ્તરે જ ૧૮ જેટલી એઇમ્સ જેવી અત્યાધુનિક હોસ્પિટલો કાર્યરત બની છે અને ૪ એઇમ્સ નિર્માણધીન છે. એઇમ્સના માધ્યમથી શ્રેષ્ઠ સુવિધાઓ અને સંશોધનો ઉપલબ્ધ થઇ રહયા છે. એઇમ્સમાં સર્વે શ્રેષ્ઠ તબીબોની નિમણૂક થાય છે. વૈશ્વિક કક્ષાની શ્રેષ્ઠ સારવાર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને અહી વિનામૂલ્યે મળી રહેશે.
આરોગ્ય ક્ષેત્રે ભારત આજે વિશ્વની સમકક્ષ ઉભો છે જેના ઉદાહરણ આપતા શ્રી નડ્ડાએ કહ્યું હતું કે, લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ થકી આરોગ્ય વિમાનું કવચ પણ આપવામાં આવી રહયુ છે. આયુષ્યમાન ભારતએ દુનિયાની સૌથી મોટી જન આરોગ્ય સુવિધા છે. કોરોનાના વિપરીત કાળમાં પણ બે- બે પ્રકારની રસીના સંશોધન કરી દેશને કોરોના કાળમાંથી બચાવી લેવાયો હતો.
કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી નડ્ડાએ સહર્ષ જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય મંત્રી તરીકે દેશમાં અનેક એઇમ્સને મંજૂરી આપવાનું થયું હતું. જેમાં ગુજરાતની રાજકોટ એઇમ્સનો પણ સમાવેશ થયો છે. રાજકોટ એઇમ્સ ખાતે ખુબ ઝડપે આરોગ્ય સેવાનું વિસ્તરણ થઈ રહ્યું છે, અને આવનારા સમયમાં દેશની શ્રેષ્ઠ એઇમ્સ બની રહેશે તેમ શ્રી નડ્ડાએ વિશ્વાશ જતાવ્યો હતો.હવે એ જ એઇમ્સના સાકાર સ્વરૂપમાં એક લેબના ઉધઘાટનમાં આજે રાજકોટમાં ઉપસ્થિત રહેવાને હું મારૂ સદભાગ્ય સમજુ છુ. તબીબોને પણ આ ઉમદા પ્રોફેશનને સેવા સમજીને કામ કરવા શ્રી નડ્ડાએ સુચન કર્યુ હતું.
આરોગ્ય મંત્રીશ્રી નડ્ડાએ તાત્કાલિક સારવાર અને ટ્રોમા વિભાગની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સુવિધાઓથી રૂબરૂ થયા હતાં. અહીં શ્રી નડ્ડાએ એઇમ્સ પ્રોજેક્ટ મોડેલ નિહાળી કામગીરીની અંગે માહિતી મેળવી એઇમ્સમાં આઉટડોર, ઇન્ડોર પેસન્ટ સુવિધા અને ટેલી મેડિસિન અંગે માહિતી મેળવી ઇન્ડોર પેસન્ટ વિભાગ, ઇમર્જન્સી વિભાગ, એચ.ડી.વી., રેડયીલોજી, ઓપરેશન થીએટર, લેબોરેટરી સહિતના વિવિધ વિભાગની મુલાકાત કરી હતી.
એઇમ્સ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, સાંસદો સર્વશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વશ્રી ઉદયભાઇ કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ, અગ્રણીશ્રી રાજુભાઈ ધ્રુવ,એઇમ્સ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. (કર્નલ) સી.ડી.એસ. કટોચ, એઇમ્સ તબીબી સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.






