અંકલેશ્વરમાં 24 કલાકમાં બે અકસ્માતની ઘટના, ગરબા રમી પરત ફરતાં વાલિયા રોડ પર ટેન્કરની ટક્કરે બાઈકચાલક યુવાનનું મોત, GIDCના માનવ મંદિર નજીક અકસ્માતમાં મહિલાને ઇજા

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં 24 કલાકમાં અકસ્માતની બે ઘટના સામે આવી છે. જેમાં પહેલી ઘટના જી.આઈ.ડી.સી.ના માનવ મંદિર પાસે બાઈકને રીક્ષા ચાલકે ટક્કર મારતાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી હાલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો બીજી ઘટનામાં અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં ગરબે ઘૂમી પરત જતાં બાઈકસવાર 3 યુવાનોને ટેન્કર ચાલકે ટક્કર મારતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરના કોસમડી ગામની સાગર પાર્ક સોસાયટીમાં રહેતા 18 વર્ષીય વિશાલ તાવીયાડ અને તેના મિત્ર સૌરવકુમાર વસાવા તેમજ ધ્રુવકુમાર શાંતિલાલ પ્રજાપતિ સહિત અન્ય યુવાનો સાથે નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબા રમવા ગયા હતા. જ્યાં ગરબામાં ઘૂમી મળસ્કે ચાર કલાકે ગરબા પૂર્ણ થતાં કાપોદ્રા પાટિયા પાસે ચા-નાસ્તો કરવા માટે વિશાલ તાવીવાડની બાઈક પર સૌરવ અને ધ્રુવ ગયા હતા. ચા-નાસ્તો કરી ત્રણેય મિત્રો કાપોદ્રા પાટિયાથી ગોપાલ નગર ખાતે મિત્રને મુકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન અંબે ગ્રીન સોસાયટી પાસે સામેથી આવતા ટેન્કરે યુવાનોની બાઇકને ટક્કર મારી ફંગોળી દીધા હતા. અકસ્માતમાં બાઈકસવાર વિશાલ તાવીવાડનું ગંભીર ઈજાઓને પગલે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે અન્ય મિત્રોને ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ફરાર થયેલા ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની મંગલમ સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન પટેલ તેમના પતિ કાંતિભાઈ સાથે આજ રોજ બાઈક પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન માનવ મંદિર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ રીક્ષા ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.




