ARAVALLIGUJARATMODASA

મોડાસા – મનરેગા બચાઓ સંગ્રામ અંતર્ગત મોડાસા ખાતે ધરણા પ્રદર્શન યોજાયું – રોજગારી આપો ના નારાઓ ગુંજી ઉઠ્યા.

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – મનરેગા બચાઓ સંગ્રામ અંતર્ગત મોડાસા ખાતે ધરણા પ્રદર્શન યોજાયું – રોજગારી આપો ના નારાઓ ગુંજી ઉઠ્યા

મનરેગા બચાવો સંગ્રામ અંતર્ગત આજે મોડાસા ચાર રસ્તા, ટાઉનહોલ સામે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતીક ઉપવાસ અને ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદા (મનરેગા)ને નબળું પાડવા, તેનું નામ-સ્વરૂપ બદલવાની અને અંતે બંધ કરવાની દિશામાં લેવાતા પગલાંઓ સામે કોંગ્રેસે ખુલ્લો અને આક્રમક વિરોધ નોંધાવ્યો હતો.

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે મનરેગા માત્ર યોજના નથી, પરંતુ કરોડો ગરીબ, મજૂર અને ગ્રામિણ પરિવારો માટે રોજી-રોટીની જીવનરેખા છે. ભાજપ સરકાર મનરેગામાં બજેટ કાપ, કામના દિવસો ઘટાડવા, ચૂકવણીમાં વિલંબ અને કાયદામાં ફેરફાર કરીને ગરીબ વિરોધી નીતિઓ અમલમાં મૂકી રહી છે. આ સીધો ગ્રામિણ ભારત પર હુમલો છે.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી કે જો મનરેગા સાથેની છેડછાડ તાત્કાલિક બંધ નહીં થાય, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવી તાલુકા, જિલ્લા અને ગ્રામસ્તરે રસ્તા પર ઉતારી દેવાશે.આ પ્રતીક ઉપવાસ અને ધરણાં પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને ‘મનરેગા બચાવો – ગરીબ બચાવો’ના નારા ગુંજાવ્યા હતા. આ કાર્યક્રમમાં અરૂણભાઇ પટેલ,જિલ્લા પ્રભારી કીર્તિસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર, મુકેશભાઈ પરમાર, કૌશિકભાઈ પટેલ, કમલભાઈ અમીન, રેવાભાઈ સહિત તાલુકા અને જિલ્લાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!