
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત સ્વદેશી જાગરણ મંચ, અરવલ્લી દ્વારા મોડાસામાં ‘રન ફોર સ્વદેશી’ સંકલ્પ દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
સ્વદેશી અપનાવો – દેશ બચાવોના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ દોડનો મુખ્ય હેતુ ભારતને આર્થિક રીતે સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવાનો તેમજ **‘હર ઘર સ્વદેશી’**નો વિચાર જનજન સુધી પહોંચાડવાનો હતો.આ સ્વદેશી સંકલ્પ દોડને મોડાસા સ્થિત મ.લા.ગાંધી કોલેજ કેમ્પસ ખાતે કોલેજના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ દ્વારા લીલી ઝંડી આપીને તથા રીબીન કાપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.દોડ દરમિયાન યુવા વર્ગમાં ઉત્સાહ અને દેશભક્તિનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો
સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા આયોજિત આ દોડમાં મોડાસા કેળવણી મંડળ અને કોલેજ મંડળની તમામ શાળાઓ અને કોલેજોના 400 થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.“સ્વદેશી અપનાવો – દેશ બચાવો”, “ભારત માતા કી જય” જેવા ગગનભેદી સૂત્રોચ્ચારો સાથે દોડે સમગ્ર શહેરને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું.આ સંકલ્પ દોડની પૂર્ણાહુતિ મોડાસા સ્કૂલ ખાતે કરવામાં આવી હતી, જ્યાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ દ્વારા દોડનું સમાપન કરાવવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો કે –ઘરમાં અને પરિવારમાં સ્થાનિક તથા સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપીશું,વિદેશી કંપનીઓની બનાવટોનો ઉપયોગ નહીં કરીએ,સ્વદેશી લે-વેચ, ભાષા, વેશભૂષા અને ઉત્સવોની પરંપરાઓનું સંરક્ષણ કરીશુંઅને **‘હર ઘર સ્વદેશી’**ના વિચારને જનજન સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહીશું.આ રીતે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આયોજિત રન ફોર સ્વદેશી સંકલ્પ દોડ દેશભક્તિ, સ્વાવલંબન અને સ્વદેશી વિચારધારાના સંદેશ સાથે ભવ્ય અને પ્રેરણાદાયી રીતે સંપન્ન થઈ હતી.





