ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે ‘પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક ચિકિત્સા, યોગ અને ધ્યાન’ વિષયક આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૧૨.૨૦૨૫
હાલોલ સ્થિત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે આયોજિત ‘પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક ચિકિત્સા,યોગ અને ધ્યાન’ વિષયક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, માનવ જીવનની સૌથી મૂલ્યવાન સંપત્તિ માનવ શરીર છે. જો શરીર સ્વસ્થ હશે તો જ ધર્મ, કર્મ, સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણ શક્ય બને છે. ભારતીય ઋષિ પરંપરાએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, શરીરમાધ્યમ ખલુ ધર્મ સાધનમ્ એટલે કે સ્વસ્થ શરીર વિના કોઈ પણ ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાતું નથી.રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યોગ, પ્રાણાયામ, ધ્યાન અને પ્રાકૃતિક ચિકિત્સા માત્ર ઉપચાર નથી, પરંતુ સંપૂર્ણ જીવનશૈલી છે. જો જીવનમાં પ્રાકૃતિક આહાર, નિયમિત યોગાભ્યાસ અને કુદરત સાથે સુસંગત જીવન અપનાવવામાં આવે તો માનવી બીમાર થતો નથી. તેમણે દેશના યશસ્વી પ્રધાનમંત્રી વડાપ્રધાનના ઉદાહરણ દ્વારા આ વાત સ્પષ્ટ કરી કે પ્રાકૃતિક જીવનશૈલી અપનાવનાર વ્યક્તિ લાંબા સમય સુધી આરોગ્યવાન રહી શકે છે.તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં રાસાયણિક ખેતીના કારણે જમીન, પાણી, હવા અને માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ખેતરોમાં વપરાતી ઝેરી દવાઓ માત્ર પાકને નહીં પરંતુ ખેડૂત, ઉપભોક્તા અને આવનારી પેઢીને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એ કોઈ વિકલ્પ નથી, પરંતુ આવશ્યકતા છે.રાજ્યપાલશ્રીએ પોતાના જીવનના અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે,પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું થતું નથી, પરંતુ ખર્ચ ઘટે છે, જમીનની ફળદ્રુપતા વધે છે અને આરોગ્યપ્રદ અન્નનું ઉત્પાદન થાય છે. પ્રાકૃતિક ખેતી દેશી ગૌ આધારિત છે અને જીવામૃત, ઘનજીવામૃત દ્વારા જમીનમાં સુક્ષ્મજીવોની સંખ્યા વધે છે, જે પાક માટે કુદરતી પોષણ પૂરું પાડે છે.તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ,ગૌસંવર્ધન અને માનવ આરોગ્યની સુરક્ષા માટેનું જનઆંદોલન છે. જો દેશના ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે તો રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓ પરનો ખર્ચ બચશે, પાણીનું પ્રદૂષણ અટકશે અને ધરતી માતા ફરીથી ઉપજાઉ બનશે.રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, તેમને ગંભીર બીમારીમાંથી બહાર આવવામાં પ્રાકૃતિક ચિકિત્સાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઉપવાસ, નેચરોપેથી, યોગ અને શિસ્તબદ્ધ જીવનશૈલી દ્વારા અસાધ્ય બીમારીઓમાંથી પણ મુક્તિ મળી શકે છે.તેમણે જણાવ્યું હતું કે, જો પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રોમાં દર્દીઓને પ્રાકૃતિક, ઝેરમુક્ત અને સાત્વિક આહાર આપવામાં આવે તો આરોગ્યલાભ ઝડપી મળે છે. યોગ, ધ્યાન અને પ્રાકૃતિક આહાર – આ ત્રણેયનો સમન્વય માનવ જીવનને પૂર્ણ સ્વસ્થતા તરફ લઈ જાય છે.રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી ઝડપથી આગળ વધી રહી છે અને લાખો ખેડૂતો આ પદ્ધતિ સાથે જોડાઈ ચૂક્યા છે. સરકાર દ્વારા પણ ગૌપાલન, પ્રાકૃતિક ખેતી અને ખેડૂત કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ પ્રયાસોને સમાજના દરેક વર્ગે સહયોગ આપવો જોઈએ.રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિકો, ચિકિત્સકો, યોગાચાર્યો અને ખેડૂત ભાઈ-બહેનોને આહ્વાન કર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક ચિકિત્સા અને યોગ-ધ્યાનને જનજીવનનો અભિન્ન ભાગ બનાવવામાં આવે. આ ત્રિવેણી જીવનશૈલી અપનાવવાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર – ત્રણેયનું કલ્યાણ સુનિશ્ચિત થઈ શકે છે.આ અવસરે કૃષિ, ખેડૂત કલ્યાણ તથા સહકારિતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી શક્ય બની છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિના વિચારને માત્ર પ્રચાર સુધી સીમિત ન રાખતા, તેને જીવનપદ્ધતિ તરીકે અપનાવી દેશભરમાં જનજાગૃતિ ફેલાવી રહ્યા છે.મંત્રીએ રાજ્યપાલશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે તેઓ ગામોમાં જાતે રોકાઈ, સ્વચ્છતા અભિયાન ચલાવી, ખેડૂતો સાથે સંવાદ સાધી રહ્યા છે, જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં હાલ ખરીફ અને રવિ – બંને ઋતુઓને ધ્યાનમાં લઈ લગભગ ૮ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈ ચૂક્યા છે. રાજ્ય સરકારનો સંકલ્પ છે કે આગામી સમયમાં આ સંખ્યા વધારીને ૧૦ લાખ સુધી પહોંચાડવામાં આવે. રાજ્યપાલશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વથી આ લક્ષ્ય અવશ્ય સિદ્ધ થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.મંત્રીએ જણાવ્યું કે, આ આંતરરાષ્ટ્રીય સંમેલન માત્ર શૈક્ષણિક કે વૈજ્ઞાનિક ચર્ચા પૂરતું સીમિત નથી, પરંતુ માનવ આરોગ્ય, જમીનની ફળદ્રુપતા, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ ગ્રામિણ વિકાસ માટેની સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. પ્રાકૃતિક કૃષિ, યોગ અને નેચરોપેથી – આ ત્રણેયનો સમન્વય જ સંપૂર્ણ આરોગ્ય અને સંતુલિત જીવન તરફ દોરી જાય છે.આ સંમેલનના વિષય સંલગ્ન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના અન્ય સંસ્થાઓ સાથેના જોડાણ મજબૂત કરવા માટે Cinl, હાલોલના પ્રતિનિધિઓ અમિત વાજપેયી અને શ્રીપ્રકાશસિંહ રાજપૂત તથા આંતરરાષ્ટ્રીય નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન (INO) ના રાષ્ટ્રીય પ્રમુખ અનંત બિરાદર અને ગુજરાત પ્રમુખ મુકેશભાઈ શાહની ઉપસ્થિતિમાં મહત્વના એમ.ઓ.યુ. (MoU) કરવામાં આવ્યા હતા, તેમજ મહાનુભાવોના હસ્તે ડૉ.સ્વપ્નિલ દેશમુખ, ડૉ.અલ્પેશ ભીમાણી અને ડૉ.કિશન મશાલિયાનું પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંમેલનની સ્મારીકાનું વિનોચન કરવામાં આવ્યું હતું.આ સંમેલનમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે.ટીંબડીયા, ડૉ.રાજેશ્વર ચંદેલ, બાગાયત અને વનવિદ્યા યુનિવર્સિટીના ડૉ.યશવંતસિંહ પરમાર, સૂર્યા ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન, નવી દિલ્હીના પ્રેસિડેન્ટ ડૉ.અનંત બિરાદર, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મદદનીશ મહાનિદેશક ડૉ.એસ.કે.શર્મા, જિલ્લા કલેકટર અજય દહિયા, દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા વૈજ્ઞાનિકો, સંશોધકો, પ્રાકૃતિક ચિકિત્સા નિષ્ણાતો, યોગાચાર્યો, ખેડૂત ભાઈ-બહેનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











