Rajkot: ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવતા એ.એસ.આઈ. શ્રી જયરાજસિંહ રાઠોડ
તા.૨૩/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત પોલીસનું ગૌરવ વધારતા શ્રી જયરાજસિંહને અભિનંદન પાઠવતા ડી.જી.પી. શ્રી વિકાસ સહાય
કોચી ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ૫૦૦ થી વધુ સુરક્ષા દળના ખેલાડીઓ વચ્ચે યોજાયેલી હરીફાઈ
Rajkot: તાજેતરમાં કેરલમાં કોચી ખાતે સુરક્ષા વિભાગના ખેલાડીઓની ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં પોલીસ દળ ઉપરાંત સી.આર.પી.એફ., અર્ધ લશ્કરી દળ, આઈ.બી. સહિતના વિવિધ વિભાગના મળીને ૫૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મૂળ રાજકોટના વતની અને હાલ તાપી, વ્યારા ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. શ્રી જયરાજસિંહ કે. રાઠોડે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવી રાજકોટ તેમજ ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે. તેમને ગુજરાત પોલીસ વડા ડી.જી.પી. શ્રી વિકાસ સહાયે રૂબરૂ મળી અભિનંદન આપી ભવિષ્યમાં પણ આવી જ સિદ્ધિ પ્રાપ્ત કરે, એવી શુભકામના પાઠવી હતી.
શ્રી જયરાજસિંહ રાઠોડ હાલ તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. તેઓ સાત વાર નેશનલ ટુર્નામેન્ટ સહિત ટેબલ ટેનિસની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ ચુક્યા છે. આ પૂર્વે તેઓ રાજકોટ ખાતે સ્પોર્ટ્સ ટીચર તરીકે ફરજ બજાવેલી છે.