
ડેડીયાપાડા અને કેવડિયામાં માં પ્રધાનમંત્રીના કાર્યક્રમોના ખર્ચ વિશે માહિતી માંગી, કલેકટરે 30 તારીખ સુધી માહિતી આપવાની બાંહેધરી આપી: ચૈતર વસાવા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 20/12/2025 – નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન તેમણે નર્મદા જિલ્લાના વિવિધ મહત્વના મુદ્દાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા યોજનામાં રોજગારી સત્વરે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સાથે જ અંકલેશ્વર અને ડેડીયાપાડાને જોડતા નેશનલ હાઈવે પર આવેલ કરજણ નદી પર આવેલા પુલને બંધ કરવામાં આવે છે, તો ત્યાં લગાવવામાં આવેલા એંગલો હટાવીને 20 ટન સુધીના મોટા વાહનો માટે વાહન વ્યવહારની સુવિધા શરૂ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરી હતી. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ માટે તારીખ 16, 17 અને 18ના રોજ 14 ગ્રામસભાઓએ અસહમતિ વ્યક્ત કરી છે, તેથી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. જો આ પ્રોજેક્ટ રદ કરવામાં ન આવે તો જંગલ જમીન, રેવન્યુ જમીન, ઘર, જમીન અને બોર સહિતની સંપત્તિ માટે શું વળતર આપવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી લોકો સમક્ષ રજૂ કરવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અંકલેશ્વર–એકતાનગર હાઈ સ્પીડ કોરિડોર બની રહ્યો છે, જેમાં 15 ગામોની જમીન સંપાદિત થવાની છે, ત્યારે તેનો ડીપીઆર પ્લાન ગામના લોકોને આપવામાં આવે. ડીપીઆર પ્લાનમાં ઘર, બોર, ઝાડ અને જમીન સહિત તમામ બાબતો માટે શું વળતર આપવામાં આવશે તે અંગેની જાણકારી માંગવામાં આવી છે. રોડના રિસર્ફેસિંગ કામ માટે FCAની પરવાનગી જરૂરી નથી, છતાં વન વિભાગ દ્વારા મનમાની રીતે રોડ રસ્તાના કામો બંધ કરાવવામાં આવી રહ્યા છે, તે તમામ કામો તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે. ખાસ કરીને ડેડીયાપાડા તાલુકામાં ફુલસરથી દુથાર, ગાદળાથી ખામ એપ્રોચ રોડ તથા મોસીટ એપ્રોચ રોડ પર વન વિભાગ દ્વારા અટકાવવામાં આવેલ રિસર્ફેસિંગનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત પેટર્ન સહિતના અન્ય આયોજનમાં લોકોની જે માંગ હોય, તે મુજબના આયોજન થાય અને તે જ પ્રકારના કામોને મંજૂરી આપવામાં આવે તે બાબતે પણ રજૂઆત કરી હતી. કેવડિયા અને ડેડીયાપાડામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોના ખર્ચ અંગે માહિતી માંગવામાં આવી હતી, જેના જવાબમાં કલેક્ટરે તારીખ 30 સુધી માહિતી આપવાની બાંહેધરી આપી હોવાનું ચૈતર વસાવાએ જણાવ્યું હતું.




