BANASKANTHAGUJARATPALANPUR

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના સૂત્ર સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ

30 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પ્રવાસન સચિવશ્રી રાજેન્દર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ.મહા મેળામાં સ્વચ્છતા અને પદયાત્રીઓની સુવિધા પર રાજ્ય પ્રવાસન સચિવશ્રીનો ભાર.”આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના સૂત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. આજરોજ રાજ્યના પ્રવાસન સચિવશ્રી રાજેન્દર કુમારની અધ્યક્ષતામાં વહીવટદારની કચેરી, અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજન સંદર્ભે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સચિવશ્રી રાજેન્દર કુમારે કામગીરીની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મેળા દરમિયાન સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાય તથા ખાણી – પાણી સહિતના સ્થળોએ સ્વચ્છતા સાથે કચરાનો યોગ્ય નિકાલ થાય, પદયાત્રીઓ વ્યવસ્થિત રીતે રોડ ક્રોસ કરી શકે તે જરૂરી છે. અંબાજી ગબ્બર ખાતે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાય સહિત પદયાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ ઉભી ના થાય તે જોવા સૂચન કર્યું હતું. તેમણે પીવાનું પાણી, વીજપુરવઠો જળવાઈ રહે, યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા, યોગ્ય રીતે પ્રસાદ વિતરણ થાય તે મુજબની આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.
બનાસકાંઠામાં ભાદરવી પૂનમ મહા મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લા કક્ષાની કુલ ૨૯ સમિતિઓ બનાવવામાં આવી છે. આજની બેઠકમાં તમામ સમિતિઓના નોડલ દ્વારા પોતાના વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા આગોતરું જે આયોજન છે તેના વિશે સવિસ્તાર કામગીરીની વિગતો રજૂ કરી હતી. આરતી, દર્શન, સ્માર્ટ પાર્કિંગ, ડ્રોન લાઇટ શો વગેરે બાબતે બેઠકમાં ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી રમેશ મેરજા, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદી સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને સમિતિઓના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!