ભરૂચ: ગાયને કારમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતાં શખ્સોનો કરમાડ ગામે પર્દાફાશ, અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓએ કાયદેસરની કાર્યવાહી કરાવી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના કરમાડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક કારમાં ગાયને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાના કારસાનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓને એક ફોન દ્વારા માહિતી મળી હતી કે, GJ-19-M-5206 નંબરની એક કારમાં એક ખાટકી દ્વારા ગાયને અત્યંત ક્રૂરતાથી બાંધીને લઈ જવામાં આવી રહી છે. આ જાણ થતાં જ ગામના લોકો સક્રિય થઈ ગયા અને ગાડીને રોકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી એક ગાય મળી આવતા તત્કાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી. ત્યારબાદ અખિલ ભારત હિન્દુ મહાસભાના ભરૂચ જિલ્લા મહામંત્રી વિશાલ દાફડા અને તેમની ટીમ, જેમાં ભૌતિકભાઈ, વિમલભાઈ, લાલાભાઈ અને અન્ય સભ્યોનો સમાવેશ થાય છે, તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કાર અને તેમાં રહેલા વ્યક્તિઓને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ પશુઓ પ્રત્યેની ક્રૂરતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.